અકસ્માતમાં ઇકો ટોટલ લોસ થઈ ગયેલ જેના હપ્તા ભરવાનું ટેન્શન હતું
વાંકાનેર: તાલુકાના નવી રાતીદેવડી ગામે રહેતા યુવાને લીધેલ ઇકો ગાડીના હપ્તા ચડી ગયા હતા જેની ચિંતામાં તેણે મોરબીના લખધીરપુર રોડ ઉપર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો…


જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવી રાતીદેવડી ગામે રહેતા રાહુલભાઈ અશોકભાઈ વિકાણી (ઉ.18) નામના યુવાને મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મોનલ કારખાના તરફ જવાના કાચા રસ્તાની બાજુમાં આવેલ બાવળની કાંટમાં બાવળની ડાળી સાથે દોરી બાંધીને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહ પીએમ માટે મોરબી હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા અશોકભાઈ પુનાભાઈ વિકાણી (ઉ.46) રહે. નવી રાતીદેવડી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…


વધુમાં આ બનાવની આગળની તપાસ એન.એસ.મેસવાણિયા ચલાવી રહ્યા હોય તેઓના જણાવ્યા અનુસાર મૃતક યુવાને હપ્તેથી ઇકો ગાડી લીધી હતી અને તે ઈકો ગાડીનો અગાઉ વાંકાનેર શહેરી વિસ્તારમાં અકસ્માત થયો હતો અને તે બાબતે તેની સામે ગુનો પણ નોંધાયેલ હતો અને ગાડી ટોટલ લોસ થઈ ગયેલ હતી બીજી બાજુ ઈકો ગાડીના હપ્તા ચડી ગયા હતા અને હપ્તા ભરવાનું ટેન્શન હતું જેથી તેણે આર્થિક મૂંઝવણના કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મજબની કાર્યવાહી હાથ ધરી છે…
