જો જો ! વાંકાનેરની આંગણવાડીમાં પણ પોલીસ તપાસનો રેલો ન આવી જાય !
વ્યાપ એટલો મોટો છે કે સૂરત પછી જો રાજ્ય કક્ષાએ સરકાર તપાસનો નિર્ણય કરે તો નવાઈ નહિ
‘ગુજરાત સમાચાર’નો અહેવાલ જણાવે છે કે રાઇટ ટુ એજયુકેશન એકટ ( આરટીઇ ) હેઠળ ફોર્મ ભરી આપતી લેભાગુ ટોળકી નીતનવા રસ્તાઓ શોધી કાઢતી હોય છે. આ વખતે આંગણવાડીના દાખલાઓનું કૌભાડ આવે તો નવાઇ નહીં ? ફોર્મ ભરવાના છેલ્લા બે દિવસમાં આવેલા આંગણવાડીના સર્ટિફિકેટનું વેરીફિકેશન દરમ્યાન વાલીઓ, સંતાનના આધારકાર્ડ સુરતના અને આંગણવાડીનું સર્ટિફિકેટ વતન ભાવનગર, જુનાગઢ કે પછી રાજકોટના નિકળતા ડીઇઓની ટીમ પણ અચરજ પામી ગઇ હતી.
સરકારે આ વખતે ૧ જુન ૨૦૨૩ સુધીમાં બાળકની ઉમંર છ વર્ષ ફરજિયાત કરી દીઘી હતી. જે બાળકની ઉંમર નહીં થતી હોઇ તેમને આરટીઇ હેઠળ પ્રવેશ મળી શકે તેમ નહીં હોવાથી લેભાગુ ટોળકીઓએ નવી તરકીબ આંગણવાડી સર્ટિફિકેટની શોધી કાઢી છે. જેમાં આંગણીવાડી સર્ટિફિકેટમાં બાળકની ઉંમર છ વર્ષની બતાવાઇ છે અને પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. જેમની ઉંમર ૧ લી જુન સુધીમાં છ વર્ષની થતી ના હોય તેઓ આ લેભાગુ ટોળકીના હાથે લૂંટાયા હોવાની ચર્ચા છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આવા લેભાગુ ટોળકી સામે કાર્યવાહી કરવા માટે ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે. આથી પોલીસ જો તપાસ કરશે તો આવી ટોળકીઓ ખુલ્લી પડશે અને વાલીઓ લૂંટાતા બચશે.
સુરત જિલ્લા શિક્ષણાધિકારી દિપક દરજીના જણાવ્યા મુજબ અમારા ધ્યાન પર આ વાત આવી છે. પરંતુ હાલના તબક્કે અમો આ સર્ટિફિકેટ બોગસ છે કે સાચા છે તે કહી શકીએ તેમ નથી. આથી જેટલા પણ આંગણવાડીના સર્ટિફિકેટના આધારે ધોરણ ૧ માં પ્રવેશ મેળવશે, તે તમામ વિદ્યાર્થીઓએ જે જે સ્કુલોના કે જે જે આંગણવાડીના સર્ટિફિકેટ રજુ કર્યા છે; તે તમામ સર્ટિફિકેટની ડીઇઓની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. અને જેટલા પણ બોગસ સર્ટિફિકેટ હશે તે તમામના વાલી વિરુદ્ર પોલીસ ફરિયાદ નોંધાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
ચર્ચા તો એવી છે કે સૂરતની જેમ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારનો કીમિયો અજમાવવામાં આવ્યો છે, અને જો કૌભાંડ મોટું નિકળે તો રાજ્યના દરેક જિલ્લામાં આવી તપાસ કરવાના આદેશો છૂટે. આવી તપાસ વાંકાનેરમાં પણ થવાની શક્યતા નકારી શકાય નહીં, અને તો આંગણવાડી વર્કર અને વાલી પર પોલીસ કેસ અને નોકરી જવાની તલવાર માથે લટકી રહી છે, એમ કહેવું ખોટું નહિ ગણાય. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં આરટીઇ હેઠળ ધો. 1 માં પ્રવેશ માટે કુલ 182 શાળાઓમાં 1763 જગ્યાઓ છે, જેમાંથી ફોર્મ રિજેક્ટ થતા 1010 અરજીઓ મંજુર થઈ છે.