બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા બનેલો બનાવ
વાંકાનેર: તાલુકાના ધમલપર ગામના રહેવાસી બાળકને મોરબીના હળવદ રોડે આવેલ ઘૂટું ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા તેને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે બાળકને સારવારમાં ખસેડાયો હતો તે બાળકનું મોત નીપજયું હતું…


જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેર તાલુકાના ધમલપર ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઘુટુ ગામે પંચમુખી હનુમાન મંદિર પાસે રહેતા અને ખેતી કામ કરતા સજનબેન જયસુખભાઈ બાવરવા (ઉ.35) નામના મહિલાએ બોલેરો ગાડી નંબર જીજે 36 વી 2669 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી પોતાના હવાલા વાળી બોલેરો ગાડી ઇંચી માંડલ ગામથી ઘુટુ


તરફ લઈને આવી રહ્યો હતો દરમિયાન તેને બેફિકરાઈથી ગાડી ચલાવી હતી અને ફરિયાદીના દીકરા પૃથ્વીરાજ જયરાજભાઇ બાવરવા (ઉ.9) ને ઠોકર મારીને અકસ્માત કર્યો હતો જેથી કરીને ફરિયાદીના દીકરાને માથા, કપાળ, શરીર, પગ અને કાનના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને બોલેરો ગાડીના ચાલક સામે કાર્યવાહી શરૂ કરેલ છે…
