પરિપત્રમાં સુધારો કરાયો
પેઢીનામું કાઢી આપવાની જવાબદારી તલાટીઓને સોંપાઇ
ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સીટી સર્વે દાખલ થયેલ ન હોય તેવા વિસ્તારમાં આવેલ મકાનો, ફલેટ, એપાર્ટમેન્ટ, વાણિજય દુકાનો, ઓફીસો જેવી તમામ સ્થાવર મિલકતો પણ સબંધિત તલાટી કમ મંત્રી/સીટી/કસ્બા તલાટીએ પેઢીનામું બનાવી આપવાનું રહેશે
રાજયના મહેસુલ વિભાગે પેઢીનામાના પરિપત્રમાં સુધારો કરી ખેતીની જમીન તથા બિનખેતીના ખુલ્લા પ્લોટ સિવાયની સ્થાવર મિલકતો માટે પણ પેઢીનામુ તલાટી મંત્રીઓએ કાઢી આપવાની સત્તા આપેલ છે. આ ઉપરાંત પેઢીનામા માટે સોગંદનામાના બદલે અરજદારે સ્વઘોષણા પત્ર આપવાનો રહેશે.
મહેસુલ વિભાગના નવા પરિપત્રમાં જણાવાયું છે કે, મહેસૂલ વિભાગના તા.14/05/2014 ના પરિપત્રથી પેઢીનામા તૈયાર કરવા અંગેની સૂચનાઓ બહાર પાડેલ છે. તેમાં ખેતીની તથા બિનખેતીની જમીન (ખુલ્લા પ્લોટ)ની વારસાઈ અંગે પેઢીનામું બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. જેનું અર્થઘટન ફકત ખેતીની જમીન તથા બિનખેતીની જમીન (ખુલ્લા પ્લોટ)નું જ પેઢીનામું તૈયાર કરવાનું રહે છે તેમ કરવામાં આવે છે. તેથી તા.14/05/2014 ના પરિપત્રમાં સુધારો બહાર પાડવામાં આવે છે.
નવા સુધારા મુજબ ખેતીની જમીન તથા બિનખેતીની જમીન (ખુલ્લા પ્લોટ) ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં તથા શહેરી વિસ્તારમાં પરંતુ સીટી સર્વે દાખલ થયેલ ન હોય તેવા વિસ્તારમાં આવેલ મકાનો, ફલેટ, એપાર્ટમેન્ટ, વાણિજય દુકાનો, ઓફીસો જેવી તમામ સ્થાવર મિલકતો (ઇમલા સહિતની મિલકતો) બાબતે પણ સબંધિત તલાટી કમ મંત્રી/સીટી/કસ્બા તલાટીએ પેઢીનામું બનાવી આપવાનું રહેશે.
ઉપરાંત જે વ્યક્તિનું અવસાન રહેણાંકના સ્થળ અથવા વતનના સ્થળ સિવાયના સ્થળે થાય તો તેવા કિસ્સામાં પણ જે તે વ્યક્તિનું પેઢીનામું તેના સ્થાયી રહેઠાણના સ્થળ અથવા વતનના સ્થળના તલાટીએ કરવાનું રહેશે. અરજદારને વતન કે રહેણાંકના સ્થળના તલાટીને અરજી કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. અરજદાર દ્વારા જે સંબંધિત તલાટીને અરજી કરવામાં આવે, તે તલાટીએ આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે. મહેસૂલ વિભાગના તા.14/05/2014 ના પરિપત્રમાં જ્યા સોગંદનામા શબ્દનો ઉલ્લેખ છે તેના બદલે સ્વ-ઘોષણા ધ્યાને લેવાની રહેશે. જયારે મહેસૂલ વિભાગના તા. 14/05/2014 ના પરિપત્રની અન્ય બાબતો યથાવત રહેશે…
