આ બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી !
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ પાસે પરપ્રાંતીય મજૂરને રિક્ષામાં આવેલા અજાણ્યા ચાર શખ્સોએ નિશાન બનાવીને તેને હાથ અને છાતીમાં બ્લેડ વડે ચેકા માર્યા હતા અને તેની પાસેથી મોબાઇલ ફોનની લૂંટ ચલાવીને નાસી ગયા છે. જોકે, આ બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી !
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સ્વેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો ભજરામ સૌર (૨૧) નામનો યુવાન રાતાવિરડા ગામ પાસે હતો ત્યારે રિક્ષામાં આવેલા અજાણ્યા ચાર શખ્સો દ્વારા તેને બ્લેડ વડે બંને હાથમાં અને છાતીના ભાગે ચેકા મારીને ઇજા કરવામાં આવી હતી, જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને રવિ જોશી નામનો યુવાન મોરબીની સમર્પણ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યો હતો; ત્યાં યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદનો હોવાથી બી ડિવિઝન પોલીસે આ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી, પરંતુ આ બનાવમાં હજુ સુધી વાંકાનેર તાલુકા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર આવા બનાવો છેલ્લા મહિનાઓમાં અનેક વખત બન્યા છે, તેમ છતાં પણ મોટાભાગના બનાવમાં ફરિયાદ નોંધાતી નથી. જેથી આવી ગુનાહિત માનસિકતા ધરાવતા શખ્સોની હિંમત વધી રહી છે અને આવા બનાવો બનતા જ રહે છે; ત્યારે પોલીસ દ્વારા દારૂ અને જુગારના કેસમાં જે રીતે જાત ફરિયાદી બનીને ગુના નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવતી હોય છે, તેવી જ રીતે આવા બનાવવાની અંદર પણ જાત ફરિયાદી બનીને એકલદોકલ નીકળતા લોકોને નિશાન બનાવીને તેને માર મારીને અથવા ઇજા કરીને લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપનારી ગેંગને પકડવામાં આવે તેવી લોકોની લાગણી છે.