મચ્છુ-1 ડેમની સપાટી અત્યારે 47.76 ફૂટ છે
વાંકાનેર: ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે પાણીની જરૂર હતી ત્યારે મેઘરાજાએ મહેર કરી છે અને છેલ્લા બે દિવસથી કાચું સૌનું વરસી રહ્યું છે, ત્યારે ખેડૂતોના હૈયે હરખનો પાર નથી. સાથોસાથ સ્થાનિક જળાશયોમાં પણ પાણીની આવક થઈ રહી છે, જેથી કરીને લોકોના પીવાના પાણીનો પણ પ્રશ્ન ઉકેલાઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. હજુ પણ આકાશમાં કળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને આજે સવારે છ વાગ્યાથી મોટાભાગના તાલુકામાં ધીમી ધારે કાચું સોનું વરસી રહ્યું છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે તે પ્રકારની આગાહી કરવામાં આવી હતી. ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને પાણીની અતિ જરૂર હતી ત્યારે મેઘરાજાએ હેત વરસાવતા ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવણી કરેલા પાકને હાલમાં જીવતદાન મળી ગયું છે, જેથી કરીને ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે.
જે રીતે હાલમાં કાચું સોનું વરસે છે તે જોઈને માત્ર ખેડૂતો જ નહીં તમામ લોકોમાં હરખ છે કેમાં કે, સિંચાઇ અને પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જશે તેવું હાલમાં દેખાઇ રહ્યું છે.
હાલમાં મોરબી જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળેલ માહિતી મુજબ વાંકાનેરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. જો કે, આજે સવારથી મોરબી જીલ્લામાં ધીમીધારે વરસાદ ચાલુ જ છે અને સવારે ૬ થી ૮ સુધીમાં વાંકાનેરમાં એક ઇંચ વરસાદ નોંધાયેલ છે.
મચ્છુ-1 ડેમ આ લખાય છે ત્યારે 47.76 ફૂટ ભરાયેલો છે. હજી છ્લકાવામાં સવા ફૂટ બાકી રહે છે. છેલ્લી ચોવીસ કલાકમાં 23 દોરા સપાટી વધી છે.