મૂળ ખીજડિયાના સાબિરનું અવસાન: મૂળ કોઠીનાં ગેલેક્ષી બેન્કવાળા અબ્દુલભાઈના ભાણેજને ઇજા
વાંકાનેર શહેર નજીક હાઇવે ચોકડી પાસે આજે પુનઃ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં નેશનલ હાઇવે પર, રેલવે બ્રિજ પાસે, લુહાર વાડી સામે એક ડબલ સવારી એક્ટીવા બાઇક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતના બનાવમાં એક યુવાનનુ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે બીજા એક યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક હાઇવે ચોકડી પાસે રેલ્વે બ્રિજથી આગળ જતાં હાઇવે પર બે યુવાનો ડબલ સવારી એકટીવા નંબર GJ 03 HN 3054 માં જઇ રહ્યા હોય ત્યારે બાઇકનું બેલેન્સ ગુમાવતા ત્યાંથી પસાર થતા એક ટ્રક નંબર MH 24 AU 6843 ના વ્હીલમાં એક્ટિવા બાઇક ઘૂસી ગયું હતું, જેમાં ટ્રકના તોતિંગ વ્હિલ એક યુવાન સાબિર મહંમદભાઇ શેરસીયા (રહે. ગેલેક્સી સોસાયટી, ચંદ્રપુર)ના શરીર પર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.
આ સાથે જ આ અકસ્માતના બનાવમાં બાઇક સવાર અન્ય એક યુવાન મોહંમદઅવેશ ઇદ્રીશભાઇ બાદી (રહે. ગેલેક્સી સોસાયટી, ચંદ્રપુર)ના પગ પર ટ્રકના તોતિંગ વ્હિલ ફરી વળતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મુકી નાસી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ સાબીરના પપ્પા માહંમદભાઈ અલાઉદીભાઈ મૂળ ખીજડિયાના રહેવાશી છે, અને હાલમાં ગેલેક્ષી સોસાયટીમાં રહે છે, અને ગેલેક્ષી હાઈસ્કૂલમાં પગી તરીકે નોકરી કરે છે, સાબિર બે ભાઇમાં મોટો હતો અને એસએસસીની પરીક્ષા આપી હતી, ગુલશન સોસાયટીમાં ગેલેક્ષી બેન્કની નવી બ્રાન્ચમાં ટેમ્પરરી કામ કરતો હતો. જયારે મોહંમદઅવેશ ઈદ્રીશભાઈ બાદી કે જેનો પગ કપાઈ ગયો છે, તે મૂળ કોઠીનાં રહેવાશી છે અને ગેલેક્ષી બેન્કવાળા અબ્દુલભાઈના ભાણેજ થાય છે. ઈદ્રીશભાઈ ગેલેક્ષી બેન્કમાં નોકરી કરે છે. સાબીર અને અવેશ રમઝાન માસના રોઝા રહેતા હતા. રોઝુ છોડી તરાવીહ પઢવા ઘરેથી નિકળ્યા હતા, અને નમાઝ પઢતા પહેલા ગોલો ખાવાની ઇચ્છાએ બંને હાઇવે જતા આ કમનસીબ બનાવ બન્યો હતો.