વાંકાનેર: તાજેતરમાં રુપાલાના નિવેદનથી ખફા ક્ષત્રિય સમાજનું રતનપર ખાતે સંમેલન મળી ગયું, જે શાંતિથી સમાપ્ત થયું. અમને મળેલ સમાચાર મુજબ તારીખ 13 ના કેસરીદેવસિંહ અને રૂપાલા ચાર્ટેડ હેલીકૉપટર દ્વારા રાજસ્થાનમાં જયપુર ખાતે ત્યાંના રાજવીઓને મળવા ગયા હતા.
ગણતરી એવી મંડાઈ રહી છે કે રાજકોટ સીટ પર ક્ષત્રિય સમાજની નારાજગી હોવા છતાં રુપાલાને જીતમાં કોઈ વાંધો આવે તેમ નથી, લીડ ઘટે પણ જીતી જાય, આ ગણતરીથી ભાજપ રુપાલાને બદલતું નથી, બીજો ડર એ પણ હોઈ શકે કે જો રુપાલાને બદલે તો બીજી સીટો પર ફરી બીજો કોઈ સમાજ જાગે અને માંગ કરે, આ કારણે ભાજપ ઝૂકવા માંગતું નથી, પણ ક્ષત્રિય સમાજના આંદોલનની અસર પશ્ચિમ યુપી, રાજસ્થાન, એમપી અને થોડે ઘણે અંશે હરિયાણામાં પણ વર્તાવા માંડી છે, કે જ્યાં ક્ષત્રિયોની નારાજગીથી ભાજપ સીટ ગુમાવે, આથી પશ્ચિમ યુપીમાં યોગીને અને બીજે પણ ભાજપી આગેવાનોને ડેમેજ કંટ્રોલમાં લગાવી દીધા છે. આવા જ ડેમેજ કંટ્રોલ માટે કેસરીદેવસિંહ રાજસ્થાનના જમાઈ હોવાથી ત્યાંના રાજવીઓને મનાવવા રૂપાલાસાહેબ તેમને લઇ જયપુર ગયા હતા, અને રાજવીઓ સાથે બેઠક પણ થઇ હતી, અગાઉ ઉદેપુરમાં તો ક્ષત્રિય સમાજના ટેકામાં રેલી પણ નીકળેલી.
પરંતુ આ બેઠક જયરાજસિંહના દાખલા પરથી સળગતું પકડવા ત્યાંના રાજવીઓ તૈયાર થયા નથી, અને તારીખ 14 ના કેસરીદેવસિંહ અને રૂપાલા હિરાસર એરપોર્ટ પર ચાર્ટેડ હેલીકૉપટરમાંથી ઉતર્યા હોવાના અહેવાલો છે. ભાજપમાં રહેલા ક્ષત્રિય આગેવાનો માટે ધર્મસંકટ ઉભું થયું છે, સમાજ અને પક્ષ વચ્ચે પીસાઈ રહ્યા છે. તારણ એવું છે કે રૂપાલાને ક્ષત્રિય સમાજની નારાજગી છતાં બદલવામાં આવશે નહીં, ભલે 19 તારીખનું અલ્ટીમેટમ અપાયું હોય. ભાજપ ક્ષત્રિય સમાજમાં તડાની રાહ જોવે છે.
સ્થાનિક ભાજપી ક્ષત્રિય આગેવાનોને આ મુદ્દે સમાધાન માટે 22 તારીખની મહેતલ છે. ત્યાં સુધીમાં સફળતા મળે તો ઠીક છે, બાકી 22 તારીખની વડા પ્રધાન મોદીની રાજકોટની મુલાકાત વખતે ખુદ મોદી મેદાનમાં ઉતરશે અને ક્ષત્રિય આગેવાનો અને સંકલન સમિતિને મનાવશે. ક્ષત્રિય સમાજ આખો ન માને તો પણ એક જૂથને માનવી નુકશાન ઓછું કરવા પ્રયાસ થશે. ક્ષત્રિય સમાજના આગેવાનોના નિવેદનોમાં પણ એકરાગતા ઘટવા મંડી છે. વિશ્લેષકો માને છે કે મોદી સમાધાન કરવામાં સફળ થશે અને ઘી ના ઠામમાં ઘી પડી જશે.
રુપાલાજીએ ફોર્મ ભર્યું ત્યારે પણ કેસરીદેવસિંહજીની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, ભલે સ્થાનિક વાંકાનેરના ક્ષત્રિઓએ રેલી કાઢી રૂપાલાની વિરુદ્ધ આવેદન આપ્યું હોય, પણ કેસરીદેવસિંહજીની મહત્તા ભાજપને સમજાઈ છે, ખાસ કરીને રુપાલાજીને. હુકમનો એક્કો સમજ્યા વિના ચાર્ટેડ હેલીકૉપટર દ્વારા રાજસ્થાનમાં થોડા લઇ જાય?
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો