વાંકાનેર : શહેરની પાલિકા છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં ઘેરાયેલી છે જેના કારણે પ્રજાલક્ષી કામો તેમજ વિકાસ કાર્યો ખોરંભે ચડી ગયા છે ત્યારે ગત પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂતાઇ સાથે વિરોધ પક્ષ પ્રજાની સુખાકારી માટે આગળ વધ્યા છે ત્યારે ભાજપ શાસિત વાંકાનેર નગરપાલિકામાં વિરોધપક્ષના નેતાઓએ નગરજનોની સુવિધા અને સુખાકારી માટે રજૂ કરેલી દરખાસ્તો નગરપાલિકાના પ્રમુખે ફગાવી દીધી હોવાનો આરોપ વિપક્ષના સભ્યોએ લગાવ્યો છે. વિપક્ષી સભ્યોએ આરોપ લગાવ્યો છે કે નગરપાલિકાની આગામી સાધારણ સભાના એજન્ડામાં વિરોધપક્ષના સદસ્યો દ્વારા કરવામાં આવેલી માગણીઓનો સમાવેશ કરાયો નથી. જેથી શાસકો કામ ન કરવા માગતા હોય તેવું લાગી રહ્યું છે…
આ અંગે વાંકાનેર પાલિકાના વિરોધપક્ષના સભ્યોમાં વોર્ડ નં-7ના જલ્પાબેન સુરેલા, વોર્ડ નં-4ના કુલસુમબેન તરીયા, વોર્ડ નં-4ના અશરફભાઈ ચૌહાણ, વોર્ડ નં-4ના એકતાબેન ઝાલા, વોર્ડ નં-2ના જાગૃતિબેન ચૌહાણે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે નગરપાલિકાની આગામી સાધારણ સભા કે બજેટ બેઠકમાં તેમના વિસ્તારના વિવિધ લોક પ્રશ્નો અને મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે અને તે અંગે નિર્ણય લઈને ઠરાવ કરવામાં આવે…
જો કે આ અંગે નગરપાલિકાના પ્રમુખ ડિમ્પલબેન સોલંકીએ વિપક્ષી સભ્યોને લેખિતમાં જણાવ્યું છે કે નગરપાલિકાની સામાન્ય સભા નોટિસ 1 એપ્રિલથી તૈયાર કરવામાં આવેલ છે. સામાન્ય સભા તારીખ 8 એપ્રિલને મંગળવારના રોજ નક્કી કરવામાં આવી હોય આપની અરજી હાલ ધ્યાને લઈ શકાય તેમ નથી. આમ વિપક્ષ સભ્યોની દરખાસ્ત પ્રમુખે ફગાવી દીધી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે…