સો મણનો સવાલ
પાલિકાનું રેકર્ડ ક્યારે હાથ આવશે?
વાંકાનેર: અહીંના પાલીકા સદસ્ય અને વિપક્ષ નેતા મહંમદભાઇ રાઠોડ દ્વારા માહિતી અધિકાર ૨૦૦૫ અન્વયે પાલીકા પાસે આ બાબતે માહિતી મંગાઇ હતી કે, વાંકાનેર સ્ટેટનો શહેર મધ્યે જે ટાઉન હોલ હતો, તે ઇમારતની સ્થિતિ પણ સારી હતી. જેને જે-તે સમયે વાંકાનેર સ્ટેટે વાંકાનેરના લોકોના સામાજિક કાર્યો માટે બનાવેલ, પણ ૨૦૧૦ ની આસપાસ પાલીકા દ્વારા આ ટાઉન હોલને જમીનદોસ્ત કરી ત્યાં કરોડોની આ જમીન ઉપર ચાર માળનું કોમ્પલેક્ષ બનાવેલ. જેથી ગ્રાન્ટ પણ શહેરી વિકાસ મારફત મેળવાઇ હતી…
આ બિલ્ડીંગ હાલ ખંઢેર હાલતમાં મજબૂતાઇથી ઉભૂ છે. જેનાથી પાલીકાને હાલ એક રૂપિયાની આવક પણ નથી. આ બિલ્ડીંગ અંગે તેના ખર્ચ અને તેની થયેલી આવક તેમજ આ બિલ્ડીંગમાં પાલીકાના સ્વભંડોળની આવક અને રાજયના શહેરી વિકાસ તરફથી જે ગ્રાન્ટની રકમ જંગી સ્તરે કેટલી ફાળવાઇ હતી ? વગેરે બાબતો માહિતી અધિકાર-૨000પ અંતર્ગત પુછાઇ હતી. તા. ૨૪-૩-૨૫ ના રોજ મંગાયેલી માહિતીનો જવાબ પાલીકા દ્વારા ૧૭-૪-૨૫ ના રોજ આ ગંભીર વિષયને ઉડાઉ સ્તરે આ શબ્દોમાં અપાયો છે કે તમારા તરફથી માંગવામાં આવેલી માહિતી બાબતે, માંગ્યા મુજબની માહિતી ખુબ જ જૂની હોઇ, ઓફીસ બદલતા, રેકર્ડ અસ્ત વ્યસ્ત થઇ ગયેલ હોઇ, રેકર્ડ હાથ આવ્યે, માહિતી રજૂ કરવામાં આવશે…
માહિતી અધિકારી દ્વારા અપાયેલ આ ટૂંકા જવાબથી અનેક પ્રશ્નો ઉદ્ભવે છે. આ પ્રશ્ને વિપક્ષ નેતા અને પાલીકા સદસ્ય અપીલમાં જનાર છે. ટાઉન હોલમાં બનેલ ૪ માળનું બિલ્ડીંગ ખંડેર હાલતમાં છે.