નવી શાળાના લોકપર્ણના આયોજનના ભાગરૂપે ગામમાં ભવ્ય રેલીનું આયોજન કરાયું

વાંકાનેર : વાંકાનેરના પંચાસિયા ગામે યુ.કે. નિવાસી મૂળ ભારતીય એવા દાતા કુસુમબેન મનસુખભાઈ કામદાર તેમજ તેમના પરિવારનો સહયોગ મેળવી લાઇફ સંસ્થા(રાજકોટ) દ્વારા બનાવેલ સરકારી પ્રાથમિક શાળાનું પંચાસીયા ગામ તેમજ શાળા પરિવારને લોકાર્પણ કરાયું હતું. નવી શાળાના લોકપર્ણના આયોજનના ભાગરૂપે ગામમાં ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. જેમાં લંડનથી પધારેલ મહેમાનો શાળાના ભૂલકાઓ તેમજ ગામના ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

રેલીમાં વિદેશી મહેમાનો ડીજેના તાલે થીરકયા હતા. સમગ્ર કામદાર પરિવારનું સ્વાગત તેમજ સન્માન ગામના સરપંચ ઈરફાનભાઈ, ગ્રામજનો તેમજ શાળાના આચાર્ય યાકુબભાઇ અને શાળા પરિવાર દ્વારા કરાયું હતું. શાળા દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પંચાસીયા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને અભિનય ગીત રજુ કરાયા હતા. લંડન નિવાસી કામદાર પરિવારના સભ્યો દ્વારા બાળકો અને ગ્રામજનોને શિક્ષણને પ્રેરણારૂપ ઉદબોધન કરાયું અને દીકરીઓને વધુ અભ્યાસ કરાવા ભાર મુક્યો હતો.

લાઈફ સંસ્થાએ બનાવેલ નવી શાળા નિહાળી કામદાર પરિવારે ખુશીની અનુભૂતિ અનુભવી હતી. કામદાર પરિવારે જણાવ્યું કે અમે રૂપિયા વાપર્યા નથી પણ વાવ્યા છે, જેનું ફળ અમને વર્ષો વર્ષ મળશે. આ સુંદર આયોજનમાં લાઇફ સંસ્થા રાજકોટનો પણ પૂરતો સકારાત્મક સહયોગ મળ્યો હતો.


