વાંકાનેર શિક્ષણશાખામાં કૌભાંડોના અજગર ઘૂમી રહ્યા હોવાની છાપ ઉભી થઇ રહી છે
રાજકીય આશીર્વાદ કે પછી અન્ય કોઈ કારણોસર શિક્ષણ શાખામાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારી અને શિક્ષકો દ્વારા સાથે મળીને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે
વાંકાનેરમાં શિક્ષકોના પગારમાં મોટા પ્રમાણમાં નાણાકીય ઉચાપત થઈ હોવા અંગેની માહિતીઓ ઓડિટ દરમિયાન સામે આવી હતી, જેની મોરબી જિલ્લાના તત્કાલીન ડીડીઓ દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને લેખિતમાં જાણ કરીને ફોજદારી ફરિયાદ કરવા માટે થઈને અધિકૃત વ્યક્તિ નિમવા માટે કહ્યું હતું. જો કે, હજુ સુધી તે બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
તાત્કાલિક તત્કાલીન ડીડીઓ દ્વારા મોરબી જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતોમાં શિક્ષણ વિભાગની અંદર કામ કરતા શિક્ષકોને ત્યાંથી હટાવીને તે જગ્યા ઉપર સિનિયર ક્લાર્ક અથવા જુનિયર ક્લાર્કને મુકવા માટે આદેશ કરવામાં આવ્યો હતો, તેની પણ અમલવારી મોરબી જિલ્લામાં કરવામાં આવી નથી અને આજની તારીખે પણ શિક્ષણ વિભાગમાં શિક્ષકો પાસેથી જ રૂટિન કામગીરી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લાના શિક્ષણ વિભાગની અંદર ક્યાંકને ક્યાંક ચાલતા ભ્રષ્ટાચારને રોકવા માટે અહીંના અધિકારીઓને જ રસ નથી કે શું? તે સવાલ ઉભો થઈ રહ્યો છે.
હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે વાંકાનેર તાલુકામાં જે રીતે પગારના ચુકવણામાં નાણાકીય ઉચાપત કરવામાં આવી છે, તેવી જ રીતે સરકાર દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારી શિક્ષણ વ્યવસ્થા મળે અને કોઈ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે માટે કોઈ પણ જગ્યાએ શિક્ષકોની ઘટ હોય તો તે પૂરી કરવા માટે થઈને પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવા માટેની યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેમાં પણ મોટા પ્રમાણે ગોલમાલ કરવામાં આવતી હોવાનું ચર્ચા રહ્યું છે. વર્તુળો પાસેથી જાણવા મળતી પ્રમાણે વાંકાનેર તાલુકામાં ઘણી જગ્યાએ પ્રવાસી શિક્ષકોની નિમણૂક કર્યા વગર જ સીધા તે લોકોને પગાર બિલની ચુકવણી કરવામાં આવતી હોય તેવું સામે આવી રહ્યું છે. જો આ દિશામાં મોરબી જિલ્લાના ડીડીઓ, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કે કલેકટર દ્વારા નક્કર તપાસ કરવામાં આવે તો ઘણી શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂક વગર જ યેનકેન પ્રકારે તેના પગાર ચૂકવતા હોય, તેવી માહિતી સામે આવે તો નવાઈ નથી. આમ મોરબી જિલ્લામાં શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યો છે, ત્યારે ભ્રષ્ટાચારને રોકવા માટે થઈને કયા અધિકારી કે પદાધિકારી આગળ આવે છે તે તો આગામી સમય જ બતાવશે.
મોરબી જિલ્લામાં રાજકીય આશીર્વાદ કે પછી અન્ય કોઈ કારણોસર શિક્ષણ શાખામાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારી અને શિક્ષકો દ્વારા સાથે મળીને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, ત્યારે જો શિક્ષકોમાં જ નીતિમત્તા, પ્રમાણિકતા અને નિષ્ઠા ન હોય તો તે લોકો વિદ્યાર્થીઓને શાળામાં કેવું શિક્ષણ આપતા હશે; તે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે. હાલમાં સરકાર દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકોને તોતિંગ પગાર આપવામાં આવે છે, તેમ છતાં પણ યેનકેન પ્રકારે નાણાકીય કૌભાંડો કરવામાં આવતા હોય છે; ત્યારે જવાબદાર અધિકારી અને પદાધિકારી દ્વારા કૌભાંડીયોની સામે નક્કર પગલા લેવામાં આવે તો જ આ ભ્રષ્ટાચારને ડામી શકાય તેમ છે. નહીં તો ભ્રષ્ટાચારને અધિકારીઓ અને પદાધિકારીઓ જ પ્રોત્સાહન આપી રહ્યા છે, તેઓ ઘાટ મોરબી જિલ્લામાં દેખાઈ રહ્યો છે.