વાંકાનેર નજીક સરકારી ખરાબમાં થયેલા દબાણની અરજી કરી હતી
વાંકાનેર: વધાસીયા ટોલનાકાથી વાંકાનેર તરફ જવાના રસ્તે માલધારી હોટલની સામેના ભાગમાં રાજકોટના રહેવાસી યુવાનનો પેટ્રોલ પંપ આવેલ છે, તેની બાજુમાં સરકારી ખરાબાની જમીનમાં હોટલ, વે-બ્રિજ અને રેતીના ઢગલા કરીને દબાણ કરવામાં આવ્યું છે; જેથી પેટ્રોલ પંપ ધારકે અગાઉ મોરબી કલેકટરમાં ત્યાર બાદ મુખ્યમંત્રી કાર્યાલય સુધી આ બાબતે ફરિયાદ કરી છે.
જેનો ખાર રાખીને દબાણ કરનાર શખ્સ સહિત ત્રણ શખ્સોએ તેના પેટ્રોલ પંપ પાસે આવીને ફરિયાદીની કારમાં તોડફોડ કરી હતી અને બાદમાં ફરિયાદીને એક શખ્સ પકડી રાખતા દબાણ કરનારા શખ્સ તેને હાથે અને પગે લાકડી વડે માર માર્યો હતો અને ભડાકે દઈ દેવાની જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. ભોગ બનેલા યુવાને હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં મોટા મોવા મેઇન રોડ ઉપર આવેલ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે કોસ્મો પ્રાઇડ બ્લોક નંબર -૪૦૧ માં રહેતા અમિતભાઈ જયંતીલાલ માકડીયા જાતે પટેલ (૪૮)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાંબુડીયા અશ્વમેઘ હોટલ વાળા મનદીપસિંહ ઝાલા તથા તેની સાથે આવેલા અજાણ્યા બે શખ્સો આમ કુલ મળીને ત્રણ શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વઘાસીયા ટોલનાકાથી આગળ વાંકાનેર તરફ માલધારી હોટલની સામે તેનો પેટ્રોલ પંપ આવેલ છે અને ત્યાં સર્વિસ રોડથી આગળના ભાગમાં સરકારી ખરાબાની જમીન આવેલ છે ત્યાં મનદીપસિંહ ઝાલાએ હોટલ, વે-બ્રિજ અને રેતીના ઢગલા કરીને જમીન ઉપર દબાણ કર્યું છે જે બાબતે તેઓએ અગાઉ મોરબી જિલ્લા કલેકટરમાં અરજી ફરિયાદ કરી હતી
અને ત્યારબાદ મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર ખાતે ફરિયાદ કરેલ છે જે બાબતનો ખાર રાખીને મનદીપસિંહ ઝાલા તથા તેની સાથે બે શખ્સો વેગનાર કારમાં ત્યાં આવ્યા હતા અને ત્યારે કુંડલી વાળી લાકડી વડે ફરિયાદીની ટોયટા પ્લાન્ઝા કાર નંબર જીજે ૩૬ એલ ૫૩૪૩ માં આગળના કાચમાં લાકડી મારીને નુકસાન કર્યું હતું અને ત્યારબાદ મનદીપસિંહ ઝાલા સાથે આવેલા બે પૈકીનાં એક શખ્સ તેને પકડી રાખતા આરોપી મનદીપસિંહ ઝાલાએ ફરિયાદીને લાકડી વડે બંને હાથ અને પગમાં માર માર્યો હતો
તેમજ ત્રણેય આરોપીઓએ ફરિયાદીને ભડાકે દઈ દેવાની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જેમ ફાવે તેમ ગાળો આપીને માર મારેલ છે જેથી ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.વી. કાનાણી ચલાવી રહ્યા છે