પી.જી.વી.સી.એલ. સ્ટ્રીક્ટ લાયબીલીટીના પ્રીન્સીપલ મુજબ ગુજરનારની બેદરકારીનો બચાવ થઈ શકે નહીં : અદાલતનું તારણ
વાંકાનેર: તાજેતરમાં વાંકાનેર તાલુકાના જામસર ગામમાં જીવતા વીજ તારના તૂટવાથી બાપ-દીકરાના મોત થયા હતા, કણકોટ અને ભોજપરામાં પણ આગ લાગ્યાના કિસ્સા બનેલ હતા. ત્યારે વીજ કરંટથી મોતના કિસ્સામાં રૂ. 8.77 લાખ 9 ટકા વ્યાજ સાથે ચુકવવા પીજીવીસીએલને હુકમ કરાયો હતો, કેસની વિગત મુજબ, ગુજરનાર હિતેષ ખીમજીભાઈ રામાણી, લીલાપુર મુકામે પોતાની ખેતીની જમીનમાં કામ કરી રહ્યા હતા ત્યારે તા. 19.3.2018 ના રોજ તેમના ખેતરમાંથી પી.જી.વી.સી.એલ.ની 11 કે.વી.ની લાઈન પસાર થતી હતી, તેનો જીવતો વાયર, કેબલ ગુજરનાર ઉપર પડતા તેનુ અવસાન થયેલું. ગુજરનારના વારસદારો મંજુબેન રામાણી, તેમના સગીર પુત્રો અને સસરાએ જસદણના સીવીલ જજ સમક્ષ સ્પે.દિ.મુકદમો દાખલ કરી વળતરની રકમ રૂા.70 લાખની માંગણી કરેલ હતી. વાદીઓ વતી રજુઆત કરવામાં આવેલ કે, બનાવ પી.જી.વી.સી.એલ., જસદણના અધિકારીઓની બેદરકારીને કારણે બનેલ છે.
વાદીના ખેતર ઉપરથી પસાર થતી વીજ લાઈનનું ચેકીંગ કરવામાં આવતું ન હતુ. ઈલેકટ્રીક લાઈનનું મેઈન્ટેનન્સ કરવામાં આવતુ ન હતુ. પી.જી.વી.સી.એલ. ગુજરનારના વારસદારોને વળતર ચુકવવા જવાબદાર છે. પી.જી.વી.સી.એલ. વતી બચાવ કરાયો હતો કે, ઈલેકટ્રીક શોકની હકીકતો ખોટી છે. પોલીસ તપાસમાં પણ 11 કે.વી.ઈલેકટ્રીક લાઈન ઉપરથી કોઈ બનાવ બનેલ હોય, તેવુ સાબીત થતુ નથી. નિયમીત રીતે ઈલેકટ્રીક વાયરોનુ મેઈન્ટેનન્સ કરેલ છે.
બનાવ ટી.વી. જોવાના સતરંગ ડીસ કેબલ કે જેનુ ગેરકાયદેસર જોડાણ કરી આ કામના કેબલ ઓપરેટરે લાઈન લીધેલ છે, અને તેઓની બેદરકારીને કારણે બનાવ બનેલ છે. આથી પી.જી.વી.સી.એલ.ની વળતર ચુકવવાની કોઈ જવાબદારી ઉપસ્થિત થતી નથી. જસદણ કોર્ટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રીફર કરી ઠરાવેલ છે કે, આ કામમાં પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓની બેદરકારીને કારણે અકસ્માત બનેલ છે. ઉપરાંત જોખમી ઉદ્યોગોમા રોકાયેલ પી.જી.વી.સી.એલ. જેવી સંસ્થાઓ ગુજરનારની બેરદકારીનો, સ્ટ્રીકટ લાઈબીલીટીના પ્રીન્સીપલ મુજબ બચાવ લઈ શકે નહી.
11 કે.વી.ની લાઈનનુ પ્રતિવાદીઓએ એટલે કે પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓએ મેઈન્ટેનન્સ કરેલ હોય, તેવો કોઈ દસ્તાવેજી પુરાવો આ કામમાં રજુ થતો નથી. ગુજરનાર હિતેષ ખીમજીભાઈ રામાણીના વારસદારોને વળતરની કુલ રકમ રૂા. 58,77,624/- તે 9 ટકાના સાદા વ્યાજ સાથે ચુકવવાનો જસદણ કોર્ટના જજ કે.એન.દવેએ હુકમ કરેલ હતો. આ કામમાં વાદીઓ વતી સીની.એડવોકેટ પી.આર.દેસાઈ. ગોંડલના સીની.એડવોકેટ યતીન દેસાઈ તથા જસદણના આર.એચ.ઓઝા સાહેબ રોકાયેલ હતા…

