ટ્રકમાં આરામ કરી રહેલા ડ્રાઇવરને ટ્રક માલિકે માર માર્યો: સારવારમાં રાજકોટ ખસેડાયો
રાજકોટ: વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટ્રકમાં આરામ કરી રહેલા ટ્રક ડ્રાઇવર નાગર્જુન મુળુંભાઈ ઓડેદરા (ઉ.વ.33),(રહે. કાલાવડ, ભાણવડ) પર તેના શેઠે પાઈપથી હુમલો કરતાં શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફ પરસોત્તમભાઈએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે ઇજાગ્રસ્તે જણાવ્યું હતું કે, તે ગતરોજ છોટાઉદેપુરથી ટ્રકમાં સફેદ પથ્થર ભરી મોરબી નાખવા માટે આવતો હતો ત્યારે વહેલી સવારે તે થાકેલ હોવાથી આરામ કરવા માટે વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટ્રકમાં જ સુઈ ગયો હતો. ત્યારે તેનો શેઠ દેવા મોઢવાડીયા ઘસી આવ્યો હતો અને તું હજી કેમ ટ્રક ખાલી કરવા નથી ગયો કહી હુમલો કર્યો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.
