રાજકોટ તાલુકાના સણોસરા ગામે એક ખેડૂત પર તાલુકા પંચાયતના પ્રમુખ અને તેના ભાઈ દ્વારા હુમલો કરવાની ઘટનાને દિવસો વીત્યા પછી પણ કુવાડવા પોલીસખાતું ફરિયાદ નોધતું નથી, એ મતલબની ભોગ બનનારે રાજકોટના પોલીસ કમિશ્નરને અરજી કરેલ છે.
અરજીમાં સણોસરાના ઈલ્યાસ રહીમભાઈ શેરસીયા (ઉ.વ.) ૪૦ વાળાએ સણોસરાના રહીશ આરોપીઓએ જાન લેવા હુમલાની ફરિયાદ સીસીટીવી ફુટેજ ગંભીર ઈજાઓ હોવા છતા કુવાડવા પોલીસ સ્ટેશન દ્વારા નોંધવાનો ઇન્કાર કરતા હોય જવાબદાર અધિકારી સામે પગલા લઈ ગુન્હો નોંધવાની માંગ કરેલ છે. આરોપી તરીકે ૧) ચેતન ચંદુભાઈ કથિરીયા અને ૨) રવિ ચંદુભાઈ કથિરીયાના નામ આપેલ છે.
વધુમાં અરજીમાં જણાવેલ છે કે આરોપી ફરસાણની દુકાન ધરાવે છે. તેઓ હાલ રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આરોપી નં.૧ હોદો સંભાળે છે. ફરિયાદી તથા આરોપીઓ વચ્ચે આજથી ૩ થી ૪ વર્ષ પહેલા શેરીમા આવવા જવા બાબતે મન દુઃખ થયુ હતુ અને તે સંદર્ભે ગામના ડાહ્યા લોકોએ વચ્ચે પડીને સમાધાન કરાવેલ હતું અને ચા પાણી પી લીધા હતા.
બનાવના દિવસે તા. ૧૭-૦૩-૨૦૨૪ રવિવારના આશરે સવારના ૧૦ થી ૧૧ વાગ્યાના સમયે ફરિયાદીના માસીના દિકરા ઇરફાનની એગ્રો પ્રોડકટની દુકાન પર જંતુનાશક દવા ખરીદી કરવા માટે ફરિયાદી ગયેલ હતા. મોટરસાયકલ પાર્ક કરીને દુકાનમા ગયા ત્યારે આ બન્ને આરોપીઓ પાઇપ સાથે દુકાનમા ઘુસી આવેલ હતા અને ગરદનના ભાગે ધા મારી પાડી દીધેલ ફરિયાદીને માથાના, પગના ભાગે અને વાંસામા અંધાધુધ પાઇપ મારવામા આવેલ હતા.
ઢસડીને શેરીમા લઇ આવેલ હતા અને ત્યા પણ અમાનુષી માર મારેલ હતો. આરોપીઓ જાન લેવા હુમલો કરતી વખતે ભુંડા બોલી ગાળો આપતા હતા અને કહેતા હતા કે તને આજે પતાવી દેવો છે તને કોઇ નહી બચાવી શકે. તે દરમ્યાન બહોળી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા આરોપીઓ મોકો જોઇને દુકાનની સામે આવેલ તેના ઘરમાં જતા રહ્યા હતા.
બાદમાં ખાનગી વાહનમાં જી.ટી. શેઠ ઓર્થોપેડીક હોસ્પીટલમા ખસેડેલ હતો. જયા જમણા પગમા ઓપરેશન કરી સળીયા/પ્લેટ બેસાડવામા આવેલ છે. પીઠના અને માથાના ભાગે અનેક ઇજાઓ થયેલ છે.
આ દરમ્યાન હોસ્પીટલમા ૨ દિવસ સારવાર લીધા પછી તા. ૧૯-૩-૨૦૨૪ના ડિસ્ચાર્જ થયા પછી ફરિયાદી કુવાડવા પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા માટે બપોર ૩-૩૦ થી ૭-૩૦ વાગ્યા સુધી (ચાર કલાક) ફરિયાદી કુવાડવા રોડ પોલીસ સ્ટેશને રૂબરૂ પાટા પીંડીની હાલતમા ગયેલ હતા. ત્યાં જવાબદાર પોલીસ કર્મચારીએ સાંભળવાનો ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું હતુ કે પી.આઈ. હાજર નથી અમો ફોન કરીએ ત્યારે આવજો. અને થોડીવાર પછી પહેલા માળે આવો તમારી ફરિયાદ લખીશું તેવું જણાવ્યું હતું. અમારા પગમાં ફ્રેકચર થયેલ હોય અને શરીરમા અનેક ઇજાઓ થયેલ હોવા છતા પોલીસ તંત્રે માનવીય વલણ અપનાવવાના બદલે ફરિયાદીને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હેરાન પરેશાન કરવામા આવ્યા હતા. આરોપીઓ તાલુકા પંચાયતના પ્રમુખ છે અને રાજકીય રીતે વગદાર વ્યક્તિ છે. હુમલાના સીસીટીવી ફુટેજ દુકાનની અંદરના ભાગના તેમજ બહારના ભાગના મીડીયામા ભારે વાયરલ થયા છે. તેમ છતા કુવાડવા પોલીસ સ્ટેશન ગંભીર ઇજાઓ સીસીટીવી ફુટેજ વિગેરે બાબત ધ્યાને લેવાનું મુનાસીબ સમજયુ નથી.
કાયદો વ્યવસ્થાનો સરેઆમ લીરેલીરા ઉડાડતા ચુંટાયેલા પ્રતિનિધીનો આ નગ્ન નાચ કેમેરામા કેદ હોવા છતા ગુનો નોંધવામાં ગુન્હાહીત બેદરકારી કરનાર જવાબદાર પોલીસ કર્મચારીના સીસીટીવી ફુટેજ પોલીસ સ્ટેશનમાંથી કાઢીને તેમની સામે આ કામમા મદદગારી કરવાના ગુન્હામાં યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવી માનસર અરજ કરવામાં આવી છે. અરજી સાથે માર મારવા અંગેના સીસીટીવી ફુટેજની સીડી, મેડીકલ પેપર્સની ઝેરોક્ષ બીડવામાં આવી છે. અરજીની નકલ ગૃહમંત્રીશ્રીને પણ રવાના કરાઈ છે.
ભોગ બનનાર યુવાને કમલ સુવાસ ન્યુઝને ફોન પર જણાવેલ છે કે અમારી વચ્ચે કોઈ સમાધાન થયેલ નથી, પોલીસ ખાતાએ ફરિયાદ લખાવવા મોબાઈલ નંબર લીધેલ છે અને ફોન આવે ત્યારે ફરિયાદ લખાવવા આવજો એવું જણાવેલ છે. પોલીસખાતાની ભૂમિકા ઉપર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે અને તપેલા ચઢી જાય તે પહેલા ફરિયાદ લેવામાં આવે- યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ છે. આ પ્રકરણ આંદોલનનું રૂપ લે તે પહેલા પોલીસ તંત્રનું જાગવું જરૂરી છે.
નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…
https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P
નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું