12 હત્યા કરનાર સિરિયલ કિલર આરોપીની બહેન અને તેના પુત્ર શક્તિએ લાશના ટુકડા વાંકાનેરમાં દાટ્યા હતા
પોલીસ બુધવારના રોજ તે સ્થળ પર તપાસ કરશે
વાંકાનેર: નગમા નામની યુવતીની હત્યા બાદ વાંકાનેરમાં લાશના ટુકડા નાખ્યા હતા તે કેસમાં સિરિયલ કિલર નવલસિંહને મદદ કરનાર બે લોકોની ભાળ મળી આવી છે. જે લોકોને સાથે રાખીને તપાસ કરતા લાશના ટુકડા જ્યાં છુપાવ્યા હતા તે જગ્યાની પણ ભાળ મળતા હવે પોલીસ વાંકાનેરમાં ત્યાં તપાસ કરશે.
હવે સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્ય સહિતના જિલ્લા વડાઓને તે કેસોમાં ગુનો નોંધવા જાણ કરાઇ છે. સાથે જ નગમા કેસમાં પણ પોલીસે તપાસ કરતા સફળતા મળી છે. આરોપીએ નગમાની ગત તા.25.3.2024ના રોજ હત્યા કરી હતી. બાદમાં આરોપીની બહેન અને તેના પુત્ર શક્તિએ લાશના ટુકડા વાંકાનેરમાં દાટ્યા હતા. જે જગ્યાની ભાળ મળતા પોલીસ બુધવારના રોજ તે સ્થળ પર તપાસ કરશે…
નગમા કેસમાં બે લોકોને સાથે રાખી તપાસ કરાશે
પડધરી પોલીસ સ્ટેશનમાં કાદરભાઈ આરબ, પુત્ર આસીફ, પત્ની ફરીદાના મોત મામલે અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો. કાદરભાઈની પુત્રી નગમાને પણ મોતને ઘાટ ઉતારી વાંકાનેરમાં લાશના ટુકડા નાખી દેવામાં આવ્યા હતા. સરખેજ પોલીસની ટીમ આ કેસમાં તપાસ માટે પહોંચી ત્યારે જે જગ્યાએ લાશના ટુકડા નાખ્યા હતા તે જગ્યા શોધી કાઢવામાં આવી છે. ભૂવાને મદદ કરનાર તેની બહેનના પુત્ર સહિતને સાથે રાખીને તે જગ્યા પર બુધવારના રોજ તપાસ બાદ કાર્યવાહી હાથ ધરાશે…
પત્ની સહિતના લોકો સામે કાર્યવાહી થાય તેવી શક્યતા
આ કેસમાં નવલસિંહનું મોત નિપજ્યુ છે. પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે આરોપી નવલસિંહની પત્ની તમામ કેસ બાબતે જાણે છે. સાથે જ તે પણ મઢમાં તેની સાથે જતી હતી. બીજી બાજુ આ કેસમાં પત્ની સહિતના કેટલાક નજીકના લોકોએ તેને સાથ આપ્યો હતો. જેથી આગામી તપાસ દરમિયાન ભુવાને સાથ આપનાર લોકો સામે પણ કાર્યવાહી થઇ શકે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે સરખેજ પોલીસે 12 હત્યા કરનાર સિરિયલ કિલર ભૂવા નવલસિંહની ધરપકડ કરી હતી. આરોપી રિમાન્ડ પર હતો ત્યારે તેનું મોત નિપજ્યુ હતું. આરોપીના ફોન સહિતની વસ્તુઓની પોલીસે તપાસ કરતા અનેક ખુલાસા થયા છે. આરોપીએ કરેલી 12 હત્યામાંથી આઠ કેસમાં તેના વિરુદ્ધના પુરાવા મળી આવ્યા છે. પોલીસે કઢાવેલા સીડીઆર સહિતના પુરાવાઓમાં નવલસિંહે મોટાભાગના કેસોમાં ઘટના પહેલા મૃતક કે તેના પરિવારજનો સાથે વાત કરી હોવાનો ખુલાસો થયો છે. કેટલાક કિસ્સામાં તે પોતે હત્યા પહેલા હાજર હોવાનું પણ જણાયું છે. આગામી દિવસોમાં તમામ કેસમાં ગુના નોંધાય તે માટે અમદાવાદ પોલીસે જિલ્લા એસપીઓને પત્ર લખી જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે…