શાળાઓ શરૂ થવા છતાં હાજર નહીં થતા અનેક તર્કવિતર્ક
રજા રિપોર્ટ મુક્યા તો કોણ આપી ગયું? રજા મંજૂર કરી કે નહીં? વગેરે યક્ષ પ્રશ્નો છે
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખાના ચાલુ વર્ષના ઓડિટ દરમ્યાન બેનામી નાણાંકીય વ્યવહારોના ઓડિટ પેરા નિકળતા વર્ષ – 2017 થી 2020 સુધી લાખો રૂપિયાનો થયેલ ભ્રષ્ટાચાર સંદર્ભે છેલ્લા ચારેક માસથી અધિકારીઓએ તપાસ કરી હતી,
તમામ શાળાઓના નાણાંકીય રેકર્ડ, આરોપીઓ તેમજ એમના સગાવ્હાલા કે જેમના ખાતામાં સરકારી નાણાં જમા કરેલ હતા, એમના તમામ બેંકોના, તમામ ખાતાઓના સ્ટેટમેન્ટ, તાલુકા પંચાયતના બિલો વગેરે તપાસ કરી લીધા બાદ
જેમના ખાતામાં સરકારી નાણાં અનધિકૃત રીતે તેર જેટલા લોકોના બેંક એકાઉન્ટમાં જમા કરેલ હતા; એમને તથા એ વખતના તાલુકાના વહીવટી અધિકારીઓ- એમ સોળ જેટલા લોકોના નવમી મે ના રોજ નિવેદનો લીધા
અને આવેલા અહેવાલો બાદ વર્ષ-2017 થી 2020 સુધી તાલુકા પંચાયતમાં વહીવટી કામગીરી કરતા માત્ર ત્રણ શિક્ષકો અબ્દુલ શેરસિયા, અરવિંદ પરમાર, હિમાંશુ પટેલને ભ્રષ્ટાચાર બાબતે જવાબદાર ઠેરવી ગત ત્રીજી જૂનના રોજ ફોજદારી રાહે ગુનો નોંધાયા બાદથી ત્રણ આરોપીઓ ગુમ થઈ ગયેલ છે.
દરમ્યાન હાલ સીઆરસી તરીકે પ્રતિનિયુક્તિથી ફરજ બજાવતા અબ્દુલ શેરસિયાની પ્રતિનિયુક્તિ રદ કરી જિલ્લા પંચાયતના હવાલે મૂકી દીધા બાદ એમનો હુકમ પંચ રોજકામ કરી અધિકારીઓએ બજવવના અહેવાલ સાંપડી રહ્યા છે,
પણ અહીં સવાલ એ છે કે ત્રણેય સરકારી શાળાના શિક્ષકો હોય, વેકેશન બાદ શાળાઓ શરુ થઈ ગઈ હોય એમની રજાઓનું શું? રજા રિપોર્ટ મુક્યા કે કેમ?
રજા રિપોર્ટ મુક્યા તો કોણ આપી ગયું? રજા મંજૂર કરી કે નહીં? વગેરે યક્ષ પ્રશ્નો છે, સરકારી નોકરિયાત આરોપીઓને પોલીસ પકડી શકતી નથી કે પકડવામાં ઢીલી નીતિ રાખી રહી છે ? આવા અનેક સવાલો થઈ રહ્યા છે. શિક્ષણ જેવા મહત્વના ખાતામાં થયેલા ભ્રષ્ટાચારનો આ બનાવ તાલુકામાં હાલ ચર્ચાના ચગડોળે છે.