પોલીસ ખાતાનું કોમ્બિંગ
પીનારા- વેચનારાને ગંધ આવી ગઈ?
વાહનો, શંકમંદોના ઘરમાં તેમજ ખેતરાઉ વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યું
વાંકાનેર: તાલુકાના તીથવા ગામમાં દારૂના દૂષણને ડામવા ગ્રામજનો દ્વારા આક્રોશભેર રેલી યોજી રજૂઆતો કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ દ્વારા ગામમાં તેમજ સીમ વિસ્તારમાં અનેક સ્થળોએ રેડ કરી હતી તેમજ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ રેડ દરમ્યાન એક પણ સ્થળેથી દારૂ મળી આવ્યો ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શક્યતા એવી પણ છે કે પીનારા- વેચનારાને ગંધ આવી ગઈ હોય અને હાલ પૂરતી પ્રવૃત્તિ બંધ કરી દીધી હોય
તીથવા ગામમાં છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનો દ્વારા દારૂબંધીના અમલ કરવા માટે રાજકીય અગ્રણીઓને રજૂઆતો કરી હતી તેમજ પોલીસ મથકે પણ ગયા હતા. જેના પગલે પોલીસ દ્વારા તિથવા ગામમાં તેમજ ગામના આસપાસના વિસ્તારોમાં તાલુકા પી.આઈ. પટેલ, પી.એસ.આઈ. ભરગા તેમજ ડી.સ્ટાફ સહિતનો કાફલો દોડી ગયો હતો અને અરજીમાં જણાવ્યા મુજબ તપાસ હાથ ધરવામાં આવેલ તેમજ કોમ્બિંગ પણ કરવામાં આવ્યું હતું. તીથવા ગામમાં આવવા જવાના તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી ગામમાં આવતા જતા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસે તા. રપ ના રોજ પાંચ સ્થળોએ રેડ કરી હતી. રેડ દરમ્યાન કોઈ જ સામગ્રી કે દારૂ મળી આવેલ ન હતો. માત્ર એક વ્યક્તિ રોડ પરથી પીધેલી હાલતમાં પકડાયો હતો. બીજા દિવસે તા. ૨૬ ના રોજ પોલીસ દ્વારા અગિયાર સ્થળોએ રેડ કરી હતી. જેમાં એક વ્યક્તિ વીડીમાંથી પીધેલો પકડાયો હતો અને હોકળાના કાંઠે ખરાબામાંથી ૯ લીટર દારૂ મળ્યો હતો, પોલીસ દ્વારા તિથવા ગામમાં ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા હતા તેમજ શકમંદો ઘરમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું પરંતુ કોઈ જ અનધિકૃત ચીજ વસ્તુઓ મળી આવી નથી.
જાણવા મળ્યા મુજબ પી આઈ. પટેલ દ્વારા જણાવાયું છે કે તીથવા સહિતના સમગ્ર તાલુકામાં દારૂબંધીના અમલીકરણ માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તિથવા આઉટ પોસ્ટ ચોકી ખાતે એક જમાદારની કાયમી નિમણૂક કરવામાં આવી છે. પોલીસ ચોવીસ કલાક અથાગ પ્રયાસો કરી રહી છે છતાં પણ કોઈ ઉપદ્રવી વ્યક્તિ ધ્યાને આવે તો તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવશે તો તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ દ્વારા નોંધપાત્ર કાર્યવાહી કરવામાં કોઈની સેહ શરમ રાખવામાં આવશે નહીં…
