ગત ધારાસભાની ચૂંટણીમાં ભાજપને 52.50 %, કોંગ્રેસને 27.28% અને આપને 12.92 % મળેલ મતો સાથે ગુજરાતમાં અનુક્રમે 156, 17 અને 5 ધારાસભ્યો ચૂંટાયા છે. જીતવા માટે જો ત્રિપાંખીયો જંગ હોય તો 35 થી 40 % મત મળવા જરૂરી હોય છે. સુરત કોર્પોરેશનમાં આપના સભ્યો ચૂંટાયા પછી આપને લાગ્યું કે ગુજરાતમાં સરકાર રચી શકાય તેમ છે. મોટા ઉપાડે જોર-શોરથી પ્રચાર શરુ કર્યો. વાંકાનેરમાં પણ કેજરીવાલ રેલી કરી ગયા.
અત્યારે દેશના મતદારોમાં એક વર્ગ ભાજપને જીતાડવા માંગે છે, બીજો વર્ગ હરાવવા ઈચ્છે છે. હરાવવા ઇચ્છતા મતદારો જુએ કે ભાજપને કોણ હરાવી શકે એમ છે, તેના પલડે બેસી જાય છે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી, યુપીમાં અખીલેશ, બિહારમાં નીતીશ- તેજસ્વી, દિલ્હી અને પંજાબમાં આપ એના ઉદાહરણો છે. મતદાર પોતાનો મત બીજા ઉમેદવાર ગમે તેટલા સારા હોય તો પણ જીતવાની સંભાવના ધરાવતા ઉમેદવારને આપે છે. જો પંજાબ કે દિલ્હીમાં કોંગ્રેસ ભાજપને હરાવી શકવાનું મતદારને લાગે તો આજના બીજા વર્ગના આપના મતદારો કોંગ્રેસ તરફ ઢળે. રાહુલની પદયાત્રા પછી દેશમાં કોંગ્રેસ માટે વાતાવરણ બદલાયું છે. પાંચ રાજ્યોની ચૂંટણીના હાલના સર્વે આની ગવાહી પૂરે છે. ગત ચૂંટણીમાં બિહારમાં ઓવૈસી અને ગુજરાતમાં આપ કૂદતા ભાજપને ફાયદો થયો, આવનાર ચૂંટણીઓમાં ગુજરાતની અને વાંકાનેરની જ વાત કરીયે તો મતદાર આ હકીકત ભૂલશે નહીં. વાંકાનેરની ગત ધારાસભ્યની ચૂંટણી ભાજપ 19955 મતે જીત્યું, આપનો ઉમેદવાર 53485 મત લઇ ગયેલો. જે મત જરૂરી નથી કે બધા કોંગ્રેસના જ હોય, પરંતુ વધુ મત જાણકારોના માનવા મુજબ કોંગ્રસને મળે તેમ હતા, સ્પષ્ટ છે કે આપના ઉમેદવારે કોંગ્રેસની બાજી બગાડી.


વધુ વિગતે વાત કરીયે તો આપના ઉમેદવાર વિક્રમ સોરાણીને સમાજના નાતે કોળી અને કોંગ્રેસથી નહીં પણ, કોંગ્રેસના ઉમેદવાર પીરઝાદાથી નારાજ મુસ્લિમ સમાજના મતો મળેલા. બાકી સોરાણીને અહીં કોઈ ઓળખતું પણ નહોતું. આપના હવે વળતા પાણી લાગે છે. આપમાંથી રાજ્ય સ્તરે આગેવાનો યા તો ભાજપમાં યા તો કોંગ્રેસમાં જોડાયા છે. અધૂરામાં પૂરું વિક્રમ સોરાણીએ એમના કોઈ મતદારોને પૂછ્યા વગર જ રાજીનામુ આપી દીધું. નવાઈની વાત એ છે કે હાલમાં વાંકાનેર તાલુકામાં આપનો કોઈ પ્રમુખ જ નથી. સંગઠન નબળું થઇ ગયું છે. હતું, એક વાર વાંકાનેર તાલુકામાં આપ સક્રિય હતું. પ્રભાવ હતો. 2013 માં જંક્શન પાસેની શિવ સોસાયટીમાં આપની પ્રથમ મીટીંગ મળેલી. આરીફ દાતારી, અયુબ બાદી, ઉસ્માનગની શેરસીયા, ઇસ્માઇલ કડીવાર, યાકુબ માથકીયા, અલી માણસિયા, ગની સિપાઈ, અર્જુનસિંહ વાળા વગેરેએ લોકોના પ્રશ્ને રજુઆત- રેલી પણ કરેલી. ત.ક. મંત્રીની ગામડાઓમાં ગેરહાજરી, લાઈટના ટીસી બદલવામાં વિલંબ, રાશન કાર્ડ કઢાવવામાં મુશ્કેલી, શૌચાલયમાં મળતી અપૂરતી સહાય, ખેડૂતોનો વિમા, ફિક્સ પગારદાર, આધાર કાર્ડનો પ્રશ્ન અને ભાટિયા સોસાયટીના પાણીના પ્રશ્ને રેલી પણ કાઢેલી.


વાંકાનેરના આપના આગેવાનોએ હવે સમજી લેવાની જરૂર છે કે ગત ધારાસભામાં મળેલા તેર ટકા જેટલા મતોમાં આવનાર સમયમાં વધારાને બદલે જો કોઈ અણધારી ઘટના ન બને તો ઘટાડો શક્ય છે. ભાજપ પાસે રામ મંદિરનું ધાર્મિક કાર્ડ છે તો કોંગ્રેસના પીરઝાદા પરિવાર સાથે પણ ધાર્મિક ફેક્ટર જોડાયેલું છે. રાજકારણમાં ધર્મ કે સમાજનું કાર્ડ શું રોલ અદા કરે છે, એ લખવાની જરૂર નથી. ગત ધારાસભામાં આપને મળેલા મતો કરતા જીતવા ત્રણ ગણા મત મેળવવા પડે, જે અહીંના ગણિત પ્રમાણે ખુદ કેજરીવાલ પણ મેળવી શકે કે કેમ એ એક સવાલ છે. કેજરીવાલ નરેન્દ્ર મોદી નથી કે જે બનારસમાં પણ જીતી જાય છે. હવેના જમાનામા સિદ્ધાંતોને માનનારા બહુ ઓછા છે. હવા કઈ બાજુ જાય છે, એ જ મતદારો જુએ છે. ઈશુદાન ગઢવીને પણ હરાવી દે છે. ભાજપ કે કોંગ્રેસ કોઈ એક પસઁદ કરવું શાણપણ ગણાશે. એમ તો વાંકાનેર નગરપાલિકામાં વોર્ડ- 4 માં બસપા જીતે છે, એનો મતલબ એ નથી કે ગુજરાતમાં બસપાની સરકાર રચાશે. વિઠ્ઠલ રાદડિયા કોઈ પણ પક્ષમાં જીતેલા છે. કેજરીવાલ પાંખ પ્રસરવા માંગે છે. દેશમાં હાલમાં ચાલતી ચાર રાજ્યોમાં પણ કૂદી પડયા છે, અધિકાર છે- પરંતુ બધે પંજાબ નથી.


તટસ્થ ભાવે લખીયે તો ભાજપના સ્થાનિક આગેવાનોએ આપના આગેવાનોનો દાણો દબાવવાની જરૂર છે તો કોંગ્રેસના પીરઝાદા પરિવારે પોતાથી નારાજ મુસ્લિમ આગેવાનોને મનાવવા વિચારવાની જરૂર છે. કીડી ભલે નાની હોય પણ કીડીનું લશ્કર અર્થ ધરાવે છે. યુઝ એન્ડ થ્રો ની નીતિ બંને પક્ષોએ ત્યજવાની જરુરુ છે.
:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો
આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો
અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો
