પ્રમુખપદ માટે હુંસાતુંસી
વાંકાનેર તાલુકા પંચાયતના હોદેદારોની પૂરી થતી મુદ્દત બાદ નવા હોદેદારોની ચૂંટણી માટે મળતી માહિતી મુજબ, ભાજપમાં રાજકારણના આટા-પાટા નખાઈ રહ્યા છે. કુલ 24 સભ્યોમાં 13 સભ્યો ભાજપના અને 11 સભ્યો કોંગ્રેસમાંથી ચૂંટાયા છે. નવા પ્રમુખ માટે સામાન્ય સ્ત્રી અનામત હોઈ માત્ર સ્ત્રી જ ઉમેદવારી કરી શકે તેમ છે. કુલ 24 સભ્યોમાંથી 12 સભ્યો સ્ત્રી છે, એમાંથી 8 સ્ત્રી સભ્ય ભાજપના અને 4 સ્ત્રી સભ્ય કોંગ્રેસના છે.

હોદેદારોની આવનારી આ ચૂંટણીમાં કોંગ્રસ પાસે તો કોઈ બાજી નથી. પક્ષાંતર વિરોધી કાયદા મુજબ ઓછામાં ઓછા ત્રણ સભ્યોએ બળવો કરવો જરૂરી છે, અન્યથા સભ્યપદ જાય. તાલુકા પંચાયતમાં હોદા પણ ત્રણ છે. આમ, કોંગ્રેસના હાથમાં હોદા આવે નહીં. હા, પોતાના ટેકાવાળું શાષન આવે. પરંતુ ભાજપમાં કોઈ બળવાની શક્યતા દેખાતી નથી, સિવાય કે કોઈ મોટા માથાનો દોરીસંચાર થાય!

આથી કોંગ્રેસે મૂકપ્રેક્ષક બન્યા સિવાય કોઈ વિકલ્પ નથી. વિશ્વાસપાત્ર સ્ત્રોતમાંથી મળેલ માહિતી મુજબ, ભાજપમાંથી પ્રમુખ બનવાની દાવેદારી 5 સ્ત્રી સભ્યોની થઇ છે. જેમાં (1) ભીમગુડાનાં ભુમિકાબેન અજયભાઇ વિંઝવાડિયા કે જે હાલ ઉપપ્રમુખ છે, (2) વીડીજાંબુડિયાના દેવુબેન રમેશભાઈ કાંજીયા (3) સરતાનપરના દેવુબેન હનુભાઈ વિંઝવાડિયા અને (4) રાતડીયા બેઠક પરથી ચૂંટાયેલા જિજ્ઞાસાબેન રાજેશકુમાર મેરનો સમાવેશ થાય છે. (5) છેલ્લે વઘાસિયાના વર્તમાન પ્રમુખ વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલાની પણ દાવેદારી નોંધાઈ હોવાના અહેવાલ છે. આ પાંચમાંથી પહેલા ત્રણ ચુવાળિયા કોળી છે અને ચોથા નંબરના તળપદા કોળી છે. પાંચમા ક્ષત્રિય છે.

આગળ વધુ સમીક્ષા કરીયે તે પહેલા, ગઈ વખતની ચૂંટણીની વાત કરીયે તો જિજ્ઞાસાબેને ગઈ વખતે પ્રમુખ બનવા માંગણી મૂકી હતી. તેઓ નમતું જોખવા તૈયાર નહોતા. નિરીક્ષક તરીકે ભાજપના સૌરભ પટેલ આવ્યા હતા. તેમણે અને ગુલમામદ બ્લોચે નવી ટર્મમાં જિજ્ઞાસાબેનને પ્રમુખ બનાવવાનું કમિટમેન્ટ કરી હાલના પ્રમુખ વઘાસિયાના વર્ષાબાને પ્રમુખ બનાવ્યા હતા. ઉપપ્રમુખ તરીકે ચુવાળિયા કોળી અને કારોબારી ચેરમેનમાં મુસ્લિમની પસંદગી થઇ હતી. આમ, તળપદા કોળીને પદ મળ્યું નહોતું.

લોકચર્ચા મુજબ જિજ્ઞાસાબેનનો વર્તમાન ઉપપ્રમુખ ભુમિકાબેનના પતિએ મળેલ મિટિંગમાં વિરોધ કર્યો છે. સાંસદ કેસરીદેવસિંહ પાર્ટી લાઈનમાં છે. કોઈનો વિરોધ પણ કરતા નથી કે કોઈની તરફેણ પણ કરતા નથી. ધારાસભ્ય ભીમગુડા અથવા વઘાસિયાના સભ્યની તરફેણ કરતા હોવાનું ચિત્ર ઉપસ્યું છે. જયારે ગુલમામદ બ્લોચનો ઝોક, અઢી વર્ષ પહેલા કરેલા કમિટમેન્ટને વળગી રહેવાનો હોવાનું તારણ છે. વીતેલી ટર્મમાં તળપદા કોળીને કોઈ પદ મળેલ નહીં. જિજ્ઞાસાબેનને કુંવરજી બાવળિયાનું સમર્થન હોવાનું લોકો માને છે. આ બધું જોતા જિજ્ઞાસાબેન મજબૂત દાવેદાર મનાય છે.

ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનમાં ઝાઝી હુંસાતુંસી દેખાતી નથી. જો ખેલા ના હોબે તો ઉપપ્રમુખમાં પીપળિયારાજના અમીનાબેન હુસેનભાઇ શેરસીયા અને કારોબારી ચેરમેનમાં કોટડાનાયાણીના મહિપાલસિંહ નિર્મલસિંહ જાડેજાનું નામ સંભળાઈ રહ્યું છે.
જેમ ક્રિકેટ મેચમાં કંઈ પણ થઇ શકે, તેમ રાજકારણમાં પણ કંઈ પણ થઇ જતું હોય છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
