વાંકાનેર: આ રોડ પંચાસીયા, વાંકિયા, રાણેકપર જેવા મોટા ગામના રાહદારીઓ માટે ઉપયોગી છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં તારાજી સર્જાઈ હતી. ખેડૂતોના ખેતરના ધોવાણની સાથે મુખ્યમાર્ગ સહિતના રસ્તાઓનું પણ જોવાણ થઈ જતા બિસ્માર બન્યા છે….


વરસાદ બાદ ખેડૂતોને પૂરતો પાક વિમો ચૂકવવામાં વામણી સરકારને વાહનચાલકોની હાલાકી પણ નજરે પડતી નથી. ઠેર- ઠેર બિસ્માર રસ્તાઓના કમઠાણ ખડકાયા છે. છતા તંત્ર દરકાર લેતું નથી. વાંકાનેર તાલુકાના રાતીદેવરીથી પંચાસીયા જવાના રસ્તા પર મસમોટા ગાબડાનું સામ્રાજ્ય છે. અહીંથી પસાર થવું એક કોયડા સમાન બની ગયું છે. એટલી હદે માર્ગના ખાડે હાલ છે. ચોમાસા દરમિયાન વરસાદમાં પંથકમાં ખાનાખરાબી સર્જાયા બાદ સૌથી વધુ રોડ-રસ્તાને ભારે અસર થઇ છે. ચોમાસુ પૂર્ણ થયાને સમય વિતવા છતા તંત્ર દ્વારા રોડ-રસ્તાની મરામત કરવા તસ્દી પણ નથી લેતું…


રાતી દેવરીથી પંચાસિયાના માર્ગ પર રોડ ઓછોને ખાડા જાજા જેવી સ્થિતી સર્જાઈ છે. અવાર નવાર નાના- મોટા અકસ્માત સર્જાયા હોય મોટા જીવલેણ ખાડાનું વિસ્તારના ખેડૂતોએ જાતે કામચલાઉ મરામત કરવાની ફરજ પડી છે. રોજીંદા અપડાઉન કરતા બાઈક ચાલકો અવાર-નવાર ગબડી પડવાના બનાવ વધી રહ્યા છે. વાહનચાલકોને કમરના દુઃખાવા થઈ ગયા છે, છતા તંત્રના પેટનું પાણી પણ હલતુ નથી. વહેલી તકે રાતીદેવરીથી પંચાસીયા સુધીનો ડામર રોડ નવો બનાવવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે….
