જિલ્લા પંચાયત દ્વારા જુના રાજાવડલા ગામની વચ્ચે આવેલા ઉભા કરેલા દબાણો દૂર કરાયા
વાંકાનેરના રાજાવડલા ગામે આવેલા અંતરિયાળ રસ્તાઓ પર દુકાનદારો અને અન્યોના બેફામ દબાણો ખડકાઇ ગયા હતા અને તેથી ચાલવા લાયક જગ્યા બહુ જ ઓછી રહી હોઇ, ડીડીઓના ધ્યાને આ બાબત આવી હતી અને માર્ગ મકાન વિભાગની સાથે મળી દબાણો હટાવી દેવાયા હતા અને રસ્તા ખુલ્લા કરાવાયા હતા.
રાજાવડલા ગામે ગામના મુખ્ય માર્ગ ઉપર વર્ષો જૂના દબાણ હતા, જે મોરબી જિલ્લા પંચાયત દ્વારા દુર કરવામાં આવ્યા છે. જુના રાજાવડલા ગામની વચ્ચે આવેલા મુખ્ય રસ્તાના બંને બાજુ દબાણો ઉભા કરી દેવાયા હતા; જેને કારણે મુખ્ય રસ્તાનું કામકાજ બંધ પડેલ હતું તેમજ મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં હતો.
આ પરિસ્થિતિના કારણે શાળાએ જતા બાળકો તેમજ મોટી ઉંમરના નાગરિકો સહિત ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ખાસ કરીને ચોમાસામાં સંપૂર્ણ રસ્તામાં પાણી ભરાતા હતા જેથી ગામની બહાર જવું મુશ્કેલ થઈ પડતું હતું. જેને ધ્યાને લઇ લોકોને પડતી મુશ્કેલી નિવારવા મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.ઓ .જાડેજાના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઇજનેર એ.એન.ચૌધરી અને પેટા વિભાગના કાર્યપાલક ઇજનેર કે.કે.ઘેટિયા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી રસ્તો અને આજુબાજુનો વિસ્તાર ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.