તા. ૯ થી ૩૦ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન
આયોજન સંદર્ભે સાંસદ મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ
મોરબી : સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમનું આયોજન આગામી તા.૦૯ થી ૩૦ ઓગસ્ટ-૨૦૨૩ સુધી કરવામાં આવ્યું છે. જે અન્વયે સાંસદ મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લામાં કરવામાં આવેલા આયોજન બાબતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સાંસદ મોહનભાઈ કુંડારિયાએ ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રાએ વર્ચ્યુઅલી જોડાઈને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ઉપરાંત સાંસદ સાથે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જિલ્લામાં તમામ સ્થળોએ દેશ ભક્તિનું વાતાવરણ ઉભું થાય તે પ્રકારનું વાતાવરણ ઉભું થાય, ગ્રામ્ય કક્ષાએથી માટીના કળશ બ્લોક કક્ષાએ આવે ત્યારે બાઈક, કાર તેમજ સાઉન્ડ સિસ્ટમ સાથે રેલીનું આયોજન કરવામાં આવે વગેરે સુચનો કર્યા હતા.
‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ થકી માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીરો વંદના કરી તેમના પરિવારોનું સન્માન કરવા લોકોને પ્રોત્સાહિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણી ભાવિ પેઢી પણ આઝાદીમાં અમૂલ્ય ત્યાગ કરનાર વીરો વિશે જાણી માતૃભૂમિનું ઋણ સમજે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.