વાંકાનેર તાલુકા કો-ઓપ પ્રોસેસીંગ મંડળીની સદરહુ જમીન વેચાણ અન્વયે ઠરાવ સહિતની વેચાણની તમામ પ્રક્રિયા સ્થગીત કરતો હુકમ થયો
રાજકોટ : અત્રેની લવાદ કોર્ટ, રાજકોટ સમક્ષ મોરબી જીલ્લાની વાંકાનેર તાલુકાની શ્રી વાંકાનેર તાલુકા કો-ઓપ.પ્રોસેસીંગ મંડળી લી. વાંકાનેરના હોદ્દેદારો દ્વારા ટ્રસ્ટને ટોકન ભાવે આપવાની કાર્યવાહી કરેલ અને તે અન્વયે સરકારને ગેરમાર્ગે દોરી મજુરી મેળવેલ અને તે અન્વયે મંડળીના હાલના કારોબારી સમિતી સભ્ય જગદીશસિંહ ઝાલા, કાંતીલાલ વસીયાણી ત્થા રાજનભાઇ ડેણીયાએ સદરહુ વેચાણ કરવાના ઠરાવો ત્થા કાર્યવાહી ચેલેન્જ કરી તે રદ કરવા સહિતની દાદ સાથે દાવો રજુ કરેલ
અને તે અન્વયે મનાઇ હુકમ માંગેલ, તેમાં કારોબારી સમિતી સભ્યો વતી એડવોકેટ સતિષ દેથલીયા રોકાયેલ, તેની રજુઆત ધ્યાને લઇને લવાદ કોર્ટના જજશ્રી આચાર્યએ સદરહુ વેચાણ અન્વયે ઠરાવ સહિતની વેચાણની તમામ પ્રક્રિયા સ્થગીત કરતો હુકમ કરેલ છે.
આ ફરિયાદ કેસની હકીકત એવી છે કે, વાંકાનેર તાલુકા કો-ઓપ.પ્રોસેસીંગ મંડળી લી. વાંકાનેરને સરકારી દ્વારા તેના સભાસદ મંડળીના તેમજ ખેડુતો વિકાસ માટે પ્રોસેસીંગ અને ઓઇલ મીલ માટે ટોકન ભાવે ચંદ્રપુરમાં કીંમતી જમીન આપેલ, તે જમીનનો મંડળી ત્થા તેના સભાસદો અને ખેડુતોના વિકાસ માટે ઉપયોગ કરવાને બદલે, તેમાં જુદી-જુદી યોજના અમલ કરવાને બદલે મંડળીના હોદ્દેદારોએ તેના મળતીયાના હોદ્દેદારવાળા ટ્રસ્ટને કોઇપણ કાર્યવાહી કર્યા વગર મંડળીની કિંમતની જમીન ટોકન ભાવે આપી દેવા અંગેનો ઠરાવ કરેલ
તે અન્વયે સરકારને ગેરમાર્ગે દોરીને મંજુરી મેળવેલ
અને તે અંગેના દસ્તાવેજોની કાર્યવાહી કરતા મંડળીના હાલના કારોબારી સમીતી સભ્યો જગદીશસિંહ ઝાલા, કાંતીલાલ વસીયાણી ત્થા રાજનભાઇ ડેણીયાને જાણ થતા તેના દ્વારા સદરહુ વેચાણ પ્રક્રિયાનો વિરોધ કરેલ અને તે અન્વયે કલેકટરશ્રી, સરકારમાં તેમજ જીલ્લા રજીસ્ટ્રારને રજુઆત કરેલ અને તે વેચાણના ઠરાવો, કાર્યવાહી રદ કરાવવા માટે સહકારી ક્ષેત્રના એડવોકેટ સતિષ દેથલીયાને તેમના તરફે રોકીને હકીકતની તેમજ કાયદાકીય રજુઆત કરાવેલી.
સહકારી ક્ષેત્રના એડવોકેટ સતિષ દેથલીયાએ કેસની હકીકતો અને વિગતો તપાસીને કાયદાકીય રજુઆતોમાં તથ્યતા જણાવતા લવાદ કોર્ટના જજશ્રી આચાર્યએ એવી સ્પષ્ટ તારણ સાથે રદ કરેલ કે સાધારણ સભા સર્વોપરી છે
અને તેમની સંમતિ વગર કોઇપણ સહકારી સંસ્થા તેની મીલ્કત વેચાણ કરી શકે નહી અને તે અન્વયે થયેલ કાર્યવાહી અટકાવવી ન્યાય ઉચિત જણાતું હોય સદરહુ વેચાણની તમામ કાર્યવાહી, ઠરાવો સામે મનાઇ હુકમ ફરમાવેલ છે.