તમામ માનવ માટે ખુશહાલીનો દિવસ છે
લિ. મૌલાના ઝૈનુલ આબેદીન મિસબાહી, તિથવા.
દારૂલ ઉલુમ ગૌષે સમદાની પીપળીયા રાજ
પયગંબર મુહમ્મદ અલૈહિસ્સલામ વિશ્વના એવા મહાન વ્યક્તિ છે કે આપે 23 વર્ષના ટૂંકા સમય ગાળામાં વિશ્વના ભ્રષ્ટ રાષ્ટ્રોને સાચા માર્ગ પર લાવ્યા અને તેમને ઉચ્ચ નૈતિકતા, સત્ય, વિશ્વાસપાત્રતા જેવા ગુણોથી સંપન્ન કર્યા. ભાઈચારો અને શુદ્ધતાની ક્રાંતિએ માણસને સાચા અર્થમાં માનવ બનાવ્યો. આપનો જન્મ આશીર્વાદ છે અને આપના જન્મદિવસની ઉજવણીને ઈદે મિલાદુન્નબી કહેવામાં આવે છે.


પયગંબર મુહમ્મદ અલૈહિસ્સલામના જીવન ચરિત્રની થોડીક આછેરી ઝલક :
– ગરીબો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી, વિધવાઓને મદદ કરવી, જરૂરિયાતમંદોની જરૂરિયાતો પૂરી કરવી. લોકો તેમના પર ભરોસો રાખતા હતા અને ખૂબ શક્તિશાળી હોવા છતાં આપ પોતાના દુશ્મનોને માફ કરી દેતા, તેઓ પોતાની સાથે દુર્વ્યવહાર કરનારાઓ માટે દુઆ કરતા, પોતે ભૂખ્યા હોય તો પણ બીજાને ખવડાવતા. તેઓ ઘણા દિવસો સુધી ખજૂર અને પાણી પર રહેતા અને દિવસ અને રાતને ત્રણ ભાગમાં વહેંચતા હતા. એક ભાગ ઈબાદત માટે, એક ભાગ જનતા માટે અને એક ભાગ પોતાના માટે.


ઈસ્લામ પહેલા અરબ અને અન્ય દેશોમાં માનવતા નામની કોઈ વસ્તુ ન હતી. ઝઘડા, ખૂનખરાબા, ચોરી, લૂંટ, જુગાર, વ્યાજખોરી, જુલમ,ગુનાખોરી વગેરે થતા હતા. પયગંબર મુહમ્મદ અલૈહિસ્સલામે લોકોને અજ્ઞાનતાના અંધકારમાંથી બહાર કાઢ્યા અને જ્ઞાનના પ્રકાશથી ઉજ્જવલ કર્યા.


તેઓએ લોકોને સાચો રસ્તો બતાવ્યો અને ભ્રષ્ટ લોકોને સુધારાના માર્ગે દોર્યા. આપના ઉપદેશોએ સ્ત્રીઓને ગૌરવ અને સન્માન આપ્યું, બાળકીઓને જીવતી દફનાવી દેનારાઓ પ્રત્યે કરુણા દાખવી અને માતા-પિતાની સેવાનું મહત્વ સમજાવ્યું. પયગંબર મુહમ્મદ અલૈહિસ્સલામનો જન્મ 1500 વર્ષ પહેલા 20 એપ્રિલ ઈ.સ.571 માં મક્કા શહેરમાં થયો હતો. આપનું કુટુંબ અરબમાં સૌથી પ્રતિષ્ઠિત હતું અને આપના જન્મ પહેલાં જ આપના પિતાનો છાયો ઊઠી ગયો હતો. આપની માતાનું નામ બીબી આમિના હતું. માત્ર છ વર્ષની ઉંમરે, તેમની માતાનું અવસાન થયું અને તેમનો ઉછેર તેમના દાદા અબ્દુલ મુત્તલિબ અને પછી તેમના કાકા અબુ તાલિબ દ્વારા થયો. મોટા થતાં આપે કપડાંના વ્યવસાય માટે સિરિયા ગયા, ત્યાં પણ આપ સત્ય અને પ્રામાણિકતા ઉત્તમ નમૂનારૂપ રહ્યા.


તેમણે 25 વર્ષની ઉંમરે 40 વર્ષના વિધવા હઝરત ખદિજા સાથે લગ્ન કર્યા અને આપ અને હઝરતે ખદીજા બંને જીવનના અંત સુધી એકબીજાના સાથી અને સહાયક બની રહ્યાં. 53 વર્ષની ઉંમરે, તેઓ મક્કાથી હિજરત કરીને મદીના આવ્યા અને અંત સુધી એટલે દસ વર્ષ સુધી મદીના શરીફમાં જ રહ્યા


આપનો સંદેશ છે કે તમામ સર્જન અલ્લાહની મખલૂક છે અને અલ્લાહને સૌથી પ્રિય તે છે જે તેની મખલૂક સાથે સારો વ્યવહાર કરે છે. બધી રચનાઓ એક સર્જકની છે અને ઈબાદત (પૂજા) ફક્ત એક જ સર્જકની હોવી જોઈએ. પયગંબર મોહમ્મદનું જીવનચરિત્ર પ્રેમથી વાંચો, આપ તેમના ઉપદેશો દ્વારા મોહંમદ પૈગમ્બરને વિશ્વના શ્રેષ્ઠ માણસ તરીકે જાણી શકશો.
ગુગલ પર પણ સર્ચ કરીને જાણી શકો છો કે તેઓ Best human in the world જોવા મળશે.
માટે પયગંબર મુહમ્મદ અલૈહિસ્સલામનો જન્મ દિવસ તમામ માનવ માટે ખુશહાલીનો દિવસ છે

