બિઝનેસમાં 1717 કરોડ અને થાપણોમાં રૂા.1378 કરોડનો તોતિંગ વધારો
દેશભરમાં નમુનેદાર વહીવટ માટે વર્ષોથી જાણીતી રાજકોટ જિલ્લા સહકારી બેંકે ચેરમેન જયેશ રાદડિયા, ડિરેક્ટરો અને કર્મચારીઓની સુજબુઝના કારણે અવિરત વિકાસકુચ જારી રાખી છે અને ચાલુ વર્ષે ડિસ્ટ્રિકટ બેંકે રૂા.285 કરોડનો સીમાચિન્હરૂપ ઐતિહાસિક નફો કરેલ છે. બેંકનો બીઝનેસ પણ વધીને રૂા.18,362 કરોડે પહોંચતા સહકારી ક્ષેત્રમાંથી રાજકોટ જિલ્લા બેંક ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
સ્વ. વલ્લભભાઈ પટેલે રાજકોટ જિલ્લા બેંકની સ્થાપના કરી ખેડુતોના હિત માટે વાવેલા છોડને સ્વ. વિઠલભાઈ રાદડિયાએ સિંચીને વૃક્ષ બનાવ્યું હતું હવે જયેશભાઈ રાદડિયાએ આ સહકારી ખેડુત સંસ્થાને અબજોમાં રમતી કરીને વટવૃક્ષ બનાવી દેતા રાજયભરમાં બેંકની કામગીરીની નોંધ લેવાઈ રહી છે. આ બેંકનું સૌથી મહત્વનું જમા પાસુ એ રહ્યું છે કે, છેલ્લા 32 વર્ષથી ગુજરાતભરમાં વસુલાતક્ષેત્રે પ્રથમ સ્થાન જાળવી રાખેલ છે. ખેડુતોનો અડિખમ વિશ્વાસ રાજકોટ જિલ્લા બેંક ઉપર સતત વધી રહ્યો છે અને તેના કારણે બેંકનો વ્યવસાય પણ અવિરત વધી રહ્યો છે.

બેંકના ચેરમેન જયેશ રાદડિયા અને જનરલ મેનેજર વી.એમ. સખીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ ડિસ્ટ્રિકટ કોઓપરેટીવ બેંકે પ્રગતિની હરણફાળ યથાવત રાખી છે. વિતેલા વર્ષ-2025-26માં બેંકે અસાધારણ પ્રગતિ કરેલ છે. આટલો વિશાળ વ્યવસાય છતાં બેંકનું એન.પી.એ. 0 % રહ્યું છે. અને બેંકની વસુલાત પણ 9929% રહી છે. ખેડુતોના અડિખમ વિશ્વાસના કારણે બેંકના ધિરાણ સામે વસુલાત ગુજરાતભરમાં સતત 32 વર્ષથી અવ્વલ દરજજાની રહી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક ટેકનોલોજી સાથે કદમ મીલાવીને હાઈટેક બની રહી છે. બેંકની ર01 શાખાઓ સી.બી.એસ.નેટવર્કથી જોડાયેલ છે. મુખ્ય કચેરીમાં બપોરે 2-વાગ્યાથી રાત્રીના 9-વાગ્યા સુધી દાગીના ધિરાણની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ એક માત્ર બેંક એવી છે કે, જેમાં 365 દિવસના 24 કલાક લોકર ઓપરેટીંગની સુવિધા ઉપલબ્ધ છે.
બેંક તરફથી મંડળી સાથે જોડાયેલ ખેડુત સભ્યોને બેંક તરફથી રૂા.15 લાખનો વિમો આપવામાં આવે છે. સાથો સાથ ખેડુત સભાસદો માટે રૂા.25000 સુધીની વિઠ્ઠલભાઈ રાદડિયા મેડિકલ સહાય યોજના પણ ચાલી રહી છે. નાબાર્ડ દ્વારા રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકને સમગ્ર દેશમાં સારા વહીવટ માટે પાયોનિયર બેંક તરીકે ડિકલેર કરવામાં આવેલ છે અને સમગ્ર દેશની સંસ્થાઓને રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકનું વહીવટી મોડલ અપનાવવા માટે અભ્યાસ માટે રાજકોટ મોકલવામાં આવે છે. આ બેંકને સર્વાગી શ્રેષ્ઠ કામગીરી માટે નાફસ્કોબ તરફથી ચાર વખત ભારતમાં પ્રથમ નંબરનો એવોર્ડ તથા ગૃહ અને સહકારીકા મંત્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે દશાબ્દી એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. બેંક તથા સહકારી મંડળીઓ/સંસ્થાઓના કર્મચારીઓને બેંકના જનરલ મેનેજરએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.

