29 હજાર મધ્યાહન ભોજન કેન્દ્રોને 2 મહિનાથી અનાજનો જથ્થો જ નથી મળ્યો!
ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના રાજ્યનાં અનેક ગરીબ બાળકોને શાળાઓમાં મફત પૌષ્ટિક ભોજન પુરું પાડવા માટે વર્ષ 1984માં શરૂ કરવામાં આવી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની સહભાગીદારીથી ચાલતી આ મહત્વકાંક્ષી યોજના જો કે તેના મૂળ ઉદ્દેશ્યો ગુમાવી ચૂકી હોય તેમ રામ ભરોસે ચાલી રહી છે. મળતી વિગતો પ્રમાણે રાજ્યમાં મધ્યાહન ભોજન યોજનાના 29 હજાર કેન્દ્રોને છેલ્લાં બે મહિનાથી મળવાપાત્ર સામગ્રીનો જથ્થો મળ્યો નથી. જેના કારણે સમગ્ર યોજનામાં કેવી પોલંપોલ ચાલે છે તેનો પર્દાફાશ થયો છે.
મળતી વિગતો મુજબ હાલ ગુજરાતના 20 જિલ્લામાં મધ્યાન ભોજન માત્ર ઘઉં-ચોખાથી ચાલે છે. છેલ્લાં કેટલાય સમયથી રાજ્યમાં 29000 મધ્યાન ભોજન કેન્દ્રો રામ ભરોસે હોય તેવી હાલતો જોવા મળી રહી છે. ગુજરાતમાં જુલાઈ મહિનામાં આ કેન્દ્રો પર એકપણ પ્રકારનું મધ્યાન ભોજન માટેનું અનાજ પહોંચાડવામાં આવ્યું નથી. હાલ તો મધ્યાન ભોજન સંચાલકો પોતે જ વૈકલ્પિક વ્યવસ્થા કરી બાળકોને બપોરનું ભોજન જેમતેમ કરીને પુરું પાડી રહ્યાં છે.
ગુજરાતની વાત કરીએ તો હાલ 29 હજાર જેટલાં મધ્યાહન ભોજન સેન્ટરો પર અંદાજે 45 લાખ બાળકો આ યોજનાનો લાભ લઈ રહ્યાં છે. જો કે યોજનાના ઉપરી અધિકારીઓની બેદરકારીને કારણે જૂન અને જુલાઈ એમ બે મહિનાથી સેન્ટરોને મળવાપાત્ર અનાજ અને અન્ય જરુરી સામગ્રીનો જથ્થો મળ્યો નથી. જેના કારણે આ યોજનાનું સંચાલન કરતાં સ્થાનિક લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે. તેઓ યેનકેન પ્રકારે બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવા મજબૂત બન્યાં છે.
ગુજરાત મધ્યાન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોર જોષી કહે છે કે, “રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં 2 મહિનાથી નિયમ કરવામાં આવેલું મેનુ મધ્યાહન ભોજન કેન્દ્રોને આપવામાં આવતું નથી. બે મહિનાથી તેલ કે દાળ કેન્દ્રોને મળી નથી. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ભોજનથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ યોજનાના ઉચ્ચ સરકારી અધિકારીઓની અણઆવડતનું આ પરિણામ છે અને તેમના દોષનો ટોપલો મધ્યાન ભોજનના કર્મચારીઓ પર નાખવામાં આવે છે. તેલ અને દાળ વિના બાળકોને શું રાંધીને ખવડાવીએ? સૌ જાણે છે કે, આ યોજનાનો લાભ મોટાભાગે ગરીબ, મજૂૂર પરિવારના બાળકો લેતા હોય છે. મોટાભાગના વાલીઓ તેમના બાળકોને શાળાઓમાં મળતા મધ્યાહન ભોજનના સહારે છોડીને જતાં હોય છે. એવામાં આ ભૂખ્યાં બાળકોને બપોરે યોગ્ય જમવાનું ન મળે ત્યારે તેમની હાય અમને લાગતી હોય એવું લાગે છે. ત્યારે અમારી સરકારને એટલી જ વિનંતી છે કે, યોજનાનું મેનું, જે તેમણે જ તૈયાર કર્યું છે, તે મુજબનો સામગ્રીનો જથ્થો તો અમને આપો? છેલ્લાં બે મહિનાથી અમારા મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો પોતાની રીતે વૈકલ્પિક વ્યવસ્થા કરીને ભૂખ્યાં બાળકોને જેમતેમ કરીને ભોજન પુરું પાડી રહ્યાં છે.
મધ્યાહન ભોજન યોજનામાં સરકાર દ્વારા પુરી પાડવામાં આવતી સામગ્રી હલકી ગુણવત્તાની હોવાની પણ લગભગ દરેક મધ્યાહન ભોજન સેન્ટરની ફરિયાદ હોય છે. તે અંગે કિશોર જોષી કહે છે, “ઘણી વાર સાવ હલકી ગુણવત્તાની સામગ્રી પધરાવી દેવામાં આવે છે અને તેના દોષનો ટોપલો પણ સંચાલકો પર નાખી દેવામાં આવે છે. હમણાં આણંદ જિલ્લાનાં આંકલાવ તાલુકામાં સડેલાં અનાજના જથ્થાની ઘટના સામે આવી હતી તેમાં મધ્યાહન ભોજન સંચાલકને છુટા કરી દેવાયા. આ કેસમાં તેમનો કોઈ દોષ જ નહોતો, કેમ કે અનાજની ખરીદી પુરવઠા નિગમ કરે છે, સંચાલકો નહીં. તેમ છતાં ભોગ મધ્યાહન ભોજન સંચાલકનો લેવાયો. આ યોજનાના ઉપરી અધિકારીઓની લાલિયાવાડીનો ભોગ ગરીબ બાળકો અને સંચાલકો બને છે તેમ ન થવું જોઈએ.
અમારું કહેવાનું ફક્ત એટલું જ છે કે, નિયત કરેલો જથ્થો અમને સમયસર અને સારી ગુણવત્તા સાથે મળવો જોઈએ. સરકાર મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન કરતી એનજીઓને તો જથ્થા મુજબ રોકડ રકમ આપે છે, જો તેમનાથી પહોંચી ન વળાતું હોય તો એવી સગવડ સંચાલકોને પણ કરી આપવી જોઈએ, જો એમ ન કરવું હોય તો મામલતદાર કચેરી સીધી ખરીદી કરીને આપે તો પણ ચાલે, પણ ગરીબોના બાળકો ભૂખ્યાં ન રહેવા જોઈએ.”
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ