હાર્દિકની ધરપકડ : બે મહિલા સહિત અન્ય ત્રણની શોધખોળ
કંટાળીને યુવતીએ એસિડ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો: હાર્દિક ઘણા સમયથી તેની પાછળ પડ્યો હતો અને તેનો પીછો કરતો હતો
મીડિયા અહેવાલો મુજબ, સગા માસીના દીકરાએ યુવતીને લગ્ન કરવા માટે માનસિક ત્રાસ આપ્યો, એટલું જ નહીં ‘તું મારી સાથે લગ્ન નહીં કરે તો બીજાની નહીં થવા દઉં’ તેવું કહીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેને પગલે કંટાળીને યુવતી એસિડ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો; પરંતુ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની યુવતીને સમય અનુસાર સારવાર મળતા યુવતીનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર મામલે ભોગ બનનાર પીડીતાએ પોતાના ચાર સંબંધીઓ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

યુવતીએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી હાર્દિક, તેની માતા દેવુબેન,હાર્દિકના પિતા રવજીભાઈ અને હાર્દિકની બહેન અનુબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે હાર્દિક ઘણા સમયથી તેની પાછળ પડ્યો હતો અને તેનો પીછો કરતો હતો, એટલું જ નહીં તેના ઘરે આવીને બારીમાંથી યુવતીને એક મોબાઇલ ફોન પણ આપ્યો હતો. એ સમયે યુવતીએ પોતાના પરિવારને વાત કરી હતી. જેથી યુવતી અને તેના પરિજનોએ તેના માસી દેવુબેન અને માસા રવજીભાઈને હાર્દિકની આ કરતુત બાબતે જણાવ્યું હતું.

તો સામે પક્ષે માસા-માસી હાર્દિકની બહેને યુવતીને ‘તું હાર્દિક સાથે લગ્ન કરીને તેમાં તને શું વાંધો છે’ તેમ કહી અને ધમકી આપી હતી કે ‘તું હાર્દિક સાથે લગ્ન નહીં કર તો અમે તારી ક્યાંય સગાઈ થવા નહીં દઈએ’ તેમ કહીને અપશબ્દો આપ્યા હતા. આ ઉપરાંત હાર્દિક પણ વારંવાર લગ્ન માટે દબાણ કરતો હતો. એક સમયે જ્યારે યુવતી પોતાના ઘરે એકલી હતી તે વખતે પણ હાર્દિકે ‘તું મારી સાથે લગ્ન કરી લે તને શું વાંધો છે’ તેવું કહ્યું હતું અને યુવતીએ લગ્ન કરવાનો ઇનકાર કરતા હાર્દિક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પણ કહ્યું હતું કે, ‘જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તને કોઈની નહીં થવા દઉં’ તેવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને સમયાંતરે હાર્દિક તથા તેના માતા-પિતા અને તેની બહેન જ્યારે પણ યુવતી ને મળતા ત્યારે લગ્ન કરવા માટે દબાણ કરતા હતા અને સદાય યુવતીને નિહાળીને ઉશ્કેરાયેલા જ રહેતા હતા.

પરિવારનો સંબંધીઓ સાથે નાતો ન તૂટે અને આ માનસિક ત્રાસથી છુટકારો મળે, એ આશયથી યુવતીએ તારીખ 25 જાન્યુઆરી 2023 ના રોજ પોતાના ઘરે આ લોકોથી કંટાળીને એસિડ પી લીધું હતું. જેને પગલે તેના પરિવારે યુવતીને વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરીએ હતી; ત્યાંથી તેને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી, જ્યાં નવ દિવસની સારવાર લીધા બાદ પણ યુવતીનું સ્વાસ્થ્ય કથળતા વધુ સારવાર માટે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.