ચોટીલાના સાસરિયા પક્ષનાએ કાવતરું ઘડી મળવા માટે બોલાવ્યા બાદ તેની હત્યા કરવામાં આવ્યાની વિગતો મળી છે
રાજકોટ: ચોટીલાના મનહર પાર્ક નજીકની જગ્યાએથી ગઈકાલે એક યુવાનની લાશ મળી આવી હતી. આ લાશ વાંકાનેરના રાતીદેવળી ગામે રહેતા દેવરાજ બાબુભાઈ વિકાણી (ઉંમર વર્ષ 28) નામના યુવાનની હોવાનું અને સાથેસાથે તેની ખૂન થયાનું ખુલ્યું છે. પ્રેમ સંબંધના ડખામાં સાસરીયા પક્ષના લોકોએ હત્યા કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલતા પોલીસે શકમંદોને સકંજામાં લીધા છે. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોટમ માટે રાજકોટ ખસેડયો છે.
જાણવા મળ્યા મુજબ ચોટીલાના મનહરપાર્ક નજીક આવેલી અવાવરું જગ્યાએથી એક પુરુષની લાશ પડી હોવાની પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
વધુમાં આ મૃતકના હાથ ઉપર જોશના અને છાતી ઉપર કમલેશ નામ લખ્યું હોવાનું સામે આવતા પોલીસે ઓળખ મેળવવા તજવીજ કરતા આ લાશ વાંકાનેરના રાતીદેવળી ગામના દેવરાજ બાબુભાઈ વિકાણી (ઉંમર વર્ષ 28)ની હોવાનું ખુલ્યું હતું. તેમ જ તેની હત્યા થયાનું પણ ખૂલતાં પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોટમ માટે રાજકોટ ખસેડ્યો છે. હત્યાનો ભોગ બનનાર દેવરાજ પરણીત હતો અને ત્રણ સંતાનનો પિતા હતો. તેને ચારેક મહિના પહેલા સાસરીયા પક્ષમાં અદાવત થઈ હતી અને પ્રેમ પ્રકરણને કારણે પણ સાસરીયા પક્ષ સાથે માથાકૂટ થઈ હતી. કાવતરું ઘડી મળવા માટે બોલાવ્યા બાદ તેની ખૂન કરવામાં આવી અને વિગતો સામે આવી રહી છે. પોલીસે હત્યાનો ભોગ બનનારના સસરા વજાભાઈ, સાળા જાદવ, રઘુ, પાટલાસાસુ સહિતના ને પૂછપરછ માટે ઉઠાવી લીધા છે.