ધો.૫ ના ૧૪.૮ ટકા વિદ્યાર્થીઓને વાંચતા નથી આવડતું,માત્ર ૧૬.૧ ટકા ભાગાકાર કરી શકે છે
ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનું પરિણામ ખરાબ આવવા પાછળનું મુખ્ય કારણ ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ છે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (એએસઇઆર)પ્રમાણે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ધો.૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી માત્ર ૫૩ ટકા જ ધો.૨નું પાઠયપુસ્તક વાંચી શકે છે. તેમાં પણ ૧૯.૩ ટકા જેટલા વિદ્યાર્થીઓ તો ધો.૧નું જ પાઠયપુસ્તક વાંચી શકે છે.
પોલિસી સ્ટ્રેટેજીસ ડો.જયેશ શાહ કહે છે કે વધારે ચોંકાવનારૂ તથ્ય તો એ છે કે ધોરણ ૫માં અભ્યાસ કરતા ૧૪.૮ ટકા વિદ્યાર્થીઓ ધો.૧ કે ધા.૨ના પાઠયપુસ્તકની વાત તો બાજુ પર રહી, પરંતુ આ વિદ્યાર્થીઓ માત્ર શબ્દો જ વાંચી શકે છે. તો ૫માં અભ્યાસ કરતા માત્ર ૧૬.૧ ટકા વિદ્યાર્થીઓને સાદા ભાગાકાર કરતા અને માત્ર ૨૬.૭ ટકાને જ સાદી બાદબાકી કરતા આવડે છે.
રિપોર્ટ પ્રમાણે ગણિત વિષયની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં ધો.ધો.૮ના વિદ્યાર્થીઓમાં અભ્યાસ કરતા માત્ર ૩૪.૮ ટકા વિદ્યાર્થીઓને સાદા ભાગાકાર કરતા અને માત્ર ૨૮.૯ ટકાને જ સાદી બાદબાકી કરતા આવડે છે. ચોંકાવનારી વાત તો એ છે કે ધો. ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી ૩૬.૨ ટકા વિદ્યાર્થીઓ માત્ર ૧ થી ૧૦૦ સુધીના આંકડા જ સમજી શકે છે. તેમને સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર આવડતા નથી.હજુ વધારે ગંભીર તથ્ય એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ધો. ૮માં ભણતા ૧૦ ટકા વિદ્યાર્થીઓને માત્ર શબ્દો જ વાંચતા આવડે છે. પુરા વાક્યો વાંચતા નથી આવડતા.
પ્રાથમિક શિક્ષણની આવી ગંભીર પરિસ્થિતિ હોય તેવા સંજોગોમાં ધોરણ દસનું સારું પરિણામ મળે તેવી આશા કેવી રીતે રાખી શકાય? ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ આટલું નબળું થવા પાછળના ઘણા બધા કારણો છે તેમનું એક મુખ્ય કારણ છે પ્રાથમિક શાળાઓમાં વાષક પરીક્ષાઓ લેવામાં આવતી નથી. સક્ષમ હોય કે ન હોય પરંતુ બધાને આગળના વર્ગમાં મોકલી આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થી કે વાલી કોઈ પોતાનું બાળક સારું શિક્ષણ લે છે કે નહિ તેની કાળજી રાખતું જ નથી.તદુપરાંત ગામડાઓમાં કેટલીયે શાળાઓમાં ૧૫૦ વિદ્યાર્થીઓ માટે માત્ર બે શિક્ષક જ હોય છે. ગણિત અને વિજ્ઞાાનના ટ્રેઈન્ડ શિક્ષક હોતા જ નથી. ‘પ્રવાસી શિક્ષક’થી કામ ચલાવતા હોય છે.
ગુજરાતમાં જીએસડીપી (ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના માત્ર ૨ ટકા જ શિક્ષણ પાછળ ગુજરાત સરકાર ખર્ચે છે જે ભારત દેશની સરેરાશ કરતા લગભગ અડધા છે. મિઝોરમ જેવા ઉત્તર-પૂર્વના રાજ્યોમાં આ સરેરાશ લગભગ ૮.૫ ટકાની છે. બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં આ સરેરાશ લગભગ ૪.૫ ટકાની છે.
કોઠારી કમિશને વર્ષ ૧૯૬૬માં ભલામણ કરી હતી કે શિક્ષણ પાછળ જીએસડીપીના ઓછામાં ઓછા ૬ ટકા ખર્ચવા જોઈએ તે દ્રષ્ટિએ ગુજરાતમાં લગભગ ૧,૦૦,૦૦૦ કરોડ દર વર્ષે શિક્ષણ પાછળ ખર્ચાવા જોઈએ. તેને બદલે માત્ર ૩૦,૦૦૦ કરોડ જ ખર્ચાય છે.દેશમાં વિકાસનું મોડેલ સ્ટેટ ગુજરાતમાં શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં સરકાર ઉણી કેમ ઉતરી રહી છે.
પ્રવાસી શિક્ષકોની અમલવારીમાં માત્ર ચોપડા ઉપર જ કામગીરી દેખાડાય છે, હકીકત ઉલ્ટી જ હોય છે, એવી ફરિયાદો પણ ઉઠી છે.