મોરબી જિલ્લામાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને રેવન્યુ તલાટીની બદલીનું કોકડું ગૂંચવાયું હતું. જોકે હવે રેવન્યુ તલાટીનો જે ઓર્ડર કરવામાં આવ્યો હતો, તે 66 તલાટીઓને તેઓની જગ્યા ઉપરથી છૂટા કરીને નવી જગ્યા ઉપર તાત્કાલિક હાજર કરી દેવામાં આવ્યા છે. હજુ રેવન્યુ તલાટી સિવાય જે ક્લાર્ક અને નાયબ મામલતદારના ઓર્ડર થયા હતા, તે ઓર્ડરની કોઈ અમલવારી કરવામાં આવી નથી, તેમજ બદલી ઓર્ડરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર હજુ સુધી કરવામાં આવેલ નથી; તેવી માહિતી મળી રહી છે.
મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં એક જ જગ્યા ઉપર અથવા તો એક જ કચેરીમાં વર્ષોથી હોય તેવા અધિકારી અને કર્મચારીની ગત જુન મહિનામાં સરકાર દ્વારા માહિતી માંગવામાં આવી હતી અને આ રીતે જે કર્મચારીઓ અને અધિકારીઓ ફરજ બજાવતા હોય તેમને તાત્કાલિક અસરથી બદલી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી, મોરબી જિલ્લામાં સરકારની સૂચના અને આદેશની અમલવારી કરી કરવામાં ન આવી હોય તેવો ઘાટ સર્જાયો હતો અને થોડા સમય પહેલા જિલ્લાના કલેક્ટર દ્વારા 18 નાયબ મામલતદાર, 24 ક્લાર્ક અને 66 રેવન્યુ તલાટીની બદલી કરવામાં આવી હતી.
આ બાબતમાં સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા અને યેનકેન પ્રકારે લાગુ પડતા વ્યક્તિઓને ગોઠવી દેવા માટેનો ઘાટ સર્જાયો હોય તે પ્રકારનું ચિત્ર સામે આવ્યું હતું જેથી આ બાબતે જિલ્લાના પ્રભારી મંત્રીએ કલેક્ટરે બદલીનો જે ઓર્ડર કર્યો હતો તેને સ્થગિત કરવા માટે થઈને તાત્કાલિક અસરથી સૂચના આપી હતી જેથી બદલીના ઓર્ડરની અમલવારી કરવામાં આવી ન હતી. જો કે સૂત્ર પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે જે 66 રેવન્યુ તલાટીઓની બદલી કરવામાં આવી હતી અને તેને ઓર્ડર મુજબ ગુરૂવારે હાજર કરીને ઓર્ડરની અમલવારી થઈ ગયેલ છે હાલમાં એ 66 રેવન્યુ તલાટીઓને જે જગ્યા ઉપર મૂકવામાં આવ્યા છે ત્યાં તે હાજર થઈ ગયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તેના માટે જે ઓર્ડર કરવામાં આવ્યો હતો તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવેલ નથી અને જે જગ્યાના ઓર્ડર હતા ત્યાં નવી જગ્યા ઉપર હાજર કરી દેવામાં આવ્યા છે પરંતુ જે 18 નાયબ મામલતદાર અને 24 ક્લાર્કની બદલી કરવામાં આવી હતી તેનો ઓર્ડર પ્રભારી મંત્રીની સૂચના પછી સ્થગિત કરવામાં આવ્યો છે તેની હજુ પણ અમલવારી કરવામાં આવી નથી અને આગામી સમયમાં ક્યારે તે લોકોની બદલી કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. આટલું જ નહીં ખરેખર લોકોના હિતાર્થે બદલી થઈ રહી છે કે, કોઈના લાભાર્થે બદલી થઈ રહી છે ? તેની ચર્ચાઓ હાલમાં જિલ્લાની કલેકટર કચેરી સહિતના રેવન્યુ વિભાગમાં થઈ રહી છે.
સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ