ગોંડલના છ આરોપી સામે ફરિયાદ
વાંકાનેર: તીથવામાં બાજુમાં રહેતા પાડોશીને તેની પત્ની સાથે ઝઘડો કરેલ હોય જેથી તેની પત્નીના પિયર વાળાને ગાળો બોલવાની ના પાડતા રાત્રિના વાહનમાં સામેવાળા આવી રીક્ષા ડ્રાઇવરને તલવાર- છરી મારી અને ઘરે આવેલ બનેવી- બહેનને તથા કાકીને ઈજા કર્યાની ફરિયાદ કરેલ છે…જાણવા મળ્યા મુજબ તીથવા ધાર વિસ્તારમાં રહેતા રીક્ષા ડ્રાઇવર આરીફભાઈ દિલાવરશાભાઈ શામદાર જાતે ફકીર (ઉ.વ.૨૪) વાળાએ ફરિયાદ લખાવેલ છે કે તા. ૦૧/૦૩/૨૦૨૫ ના સાંજના મારી બાજુના મારા મોટાભાઈના મકાનમાં વસીમશા અકબરશા શામદાર રહે છે, તેના પતિ-પત્નીનો ઝઘડો હતો. મારી બહેન તથા મારા જીજાજી સાહિલભાઈ અમારા ઘરે આવેલ હતા, બાજુમાં રહેતા વસીમભાઈના ઘરે
તેમનો સાળો માહિર, સાસુ નસીમબેન, સાળી કરીશ્માબેન તથા સુનેહરાબેન બધા ગાળો બોલતા હોઈ મે કહેલ કે ‘મારા બહેન બનેવી ઘરે આવેલ છે’ ગાળો બોલવાની ના પાડતા આ બધી બહેનોએ ગાળો બોલી મને કહેલ કે ‘રાત્રે અયુબભાઈ ગામેતીને લઈને આવી છીએ તમે પણ જોઈ લેજો’ માહિરભાઈએ પણ મને ધમકી આપેલ કે ‘રાત્રે આવુ છું તને જાનથી મારી નાખીશુ’ ત્યારબાદ હું વાળું પાણી કરીને સુતો હતો ત્યારે વસીમભાઈ તેમના ઘરે તાળુ મારીને બહાર જતા રહેલ. બાદ રાત્રીના એક-દોઢ વાગ્યેના અરસામાં અમારા ઘરનો દરવાજો ખોલેલ
તો અયુબ ગામેતી હતો, તેના હાથમાં તલવાર હતી અને મને કહેલ કે ‘વસીમભાઈ તથા મહમદશા ક્યાં છે?’ મેં કાંઈ ખબર નથી તેમ કહેતા આ અયુબશા ગામેતીએ મને તલવારનો ઘા માથામાં મારેલ તથા તેના સાથે રહેલ માહિરભાઈએ ડાબા હાથ તથા સાથળમાં છરી મારેલ અને બીજો એક અજાણ્યો માણસ હતો તેને મને ડાબા હાથના કાંડામાં ઘોકો મારેલ. આ બધા મારી બહેન તથા બનેવીને પણ આડેધડ મારવા લાગેલ. હું ત્યાથી ભાગીને મસ્જીદ તરફ જતો રહેલ તો આ બધા મારી પાછળ આવેલ અને મને આગળથી પકડેલ અને કહેલ કે ‘વસીમ તથા
મહમદશાને ક્યાં સંતાડેલ છે, બતાવી દે નહીતર તને મારી નાખશું’ ત્યાં મારા કુંટુંબી કાકા મકબુલશા આમદશા તથા મારા કાકી નસીમબેન આવતા તેને પણ ગાડીમાંથી અજાણ્યા માણસે ધોકો મારેલ. આ બધા ઈકો, થાર ગાડી, સ્કુટર મોટર સાયકલ લઈને જતા રહેલ. થોડી વારમાં મારા કાકાનો દિકરો ઈરફાન રીક્ષા લઈને આવેલ. મને માથામાં તથા હાથ-પગમાં લોહી નીકળતું હતું અને મારી બહેન સાહીનને, મારા બનેવી સાહિલભાઈને અને મારા કાકી નસીમબેનને પણ ઈજા થયેલ હોય જેથી ચારેયને રીક્ષામાં મારા કાકા-કાકી સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પીટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલમાં લાવેલ અને બધાને દાખલ કરેલ. સામેવાળા બધા ગોંડલ ધારમાં રહે છે. પોલીસખાતાએ ઉપર મુજબના ગોંડલના છ જણા વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…