ત્રણ દિવસથી વાડીએ રહેવાં ગયેલ ખેડૂતની મત્તા લૂંટાઈ
રાજકોટ: તરઘડીયા ગામે ખેડૂતના મકાનમાંથી ધોળા દિવસે રૂ. 6.74 લાખની ચોરીના બનાવ બાદ સતત બીજા દિવસે વધુ એક આવો બનાવ સામે આવ્યો છે.
ખોરાણા ગામે રહેતા ખેડૂતના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી રોકડ રૂપિયા 80,000 અને ઘરેણા સહિત રૂપિયા 1.70 લાખની મત્તા તસ્કરો ચોરી કરી ગયા હતા. જે અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અહીં આસપાસના સીસીટીવી ફૂટેજ જોતા બે શખસો બાઈક પર શંકાસ્પદ રીતે પસાર થતા હોવાનું નજરે પડ્યું હતું. જે ફુટેજના આધારે પોલીસે ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ કરી છે.
બનાવ અંગે ખોરાણા ગામે રામાપીરના મંદિર પાસે રહેતા દિનેશભાઈ પાંચાભાઇ સોલંકી (ઉ.વ. 35) દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં પત્ની પૂજા, પુત્ર માહિર (ઉ.વ. 10) સાથે રહે છે અન્ય પુત્રી જાગૃતિ પિતા પાંચાભાઇ સોલંકી તથા માતા મુક્તાબેન સાથે રહે છે. યુવાન ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા મનસુખભાઈ ભીમજીભાઇ પટેલની વાડી વાવવા રાખી છે અને છેલ્લા થોડા સમયથી યુવાનના માતા-પિતા મનસુખભાઈની વાડીમાં રહે છે.
યુવાનની પત્ની પૂજાને ખેતી કામ કરતા સમયે હાથમાં ઇજા થતાં પત્ની તથા સંતાનો મનસુખભાઈની વાડીએ છેલ્લા ત્રણ દિવસથી રહેવા ગયા છે. યુવાન દિવસમાં એકવાર અહીં ઘરે આંટો મારવા આવે છે. ગઈકાલે સાંજના સાથે સાતેક વાગ્યા 
આસપાસ તે વાડીએથી ઘરે આવી દિવાબત્તી કરી આઠેક વાગ્યે ઘરને તાળું મારી વાડીએ જતો રહ્યો હતો. બાદમાં આજરોજ સવારના છ વાગ્યે પાડોશમાં રહેતા મનસુખભાઈ સાંગાણીનો ફોન આવેલ કે, તારા ઘરનો દરવાજો ખુલ્લો છે અને તાળો તૂટેલું છે જેથી યુવાન તુરંત હજી ઘરે પહોંચ્યો હતો.
યુવાને ઘરે આવીને જોતા ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હોય લોખંડનો કબાટ જેને તાળું માર્યું હતું તે તાળું તૂટેલું હતું અને દરવાજો ખુલ્લો હોય તિજોરીમાં જોતા તેમાં રાખેલ રોકડ રકમ રૂપિયા 80 હજાર જે અઠવાડિયા પહેલા જ કપાસ વેચ્યો હતો. તેના પૈસા 
આવ્યા હોય તે રાખ્યા હતા. તે તથા સોના ચાંદીના દાગીના જેમાં સોનાની એક જોડી બુટ્ટી કાનસર સહિત એક તોલા કિંમત રૂપિયા 35,000 ગળામાં પહેરવાનું સોનાનું ચેન કિંમત રૂપિયા 35,000 પેન્ડલ કિંમત રૂપિયા 10,000 ચાંદીના સાંકડા બે જોડી કિંમત રૂપિયા 10,000 સહિત 
કુલ રૂપિયા 1.70 લાખની મત્તા તસ્કરો ચોરી કરી ગયા અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોના સગડ મેળવવા ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબીની ટીમોએ તપાસ હાથ ધરી છે…
