ટ્રેકટર-ટ્રોલીના પાસિંગમાં મોટી રાહત
હવે પાઈપલાઈન દ્વારા તળાવો/ચેકડેમો 7 કિલોમીટર સુધી ભરવામાં આવશે
ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નોના કાયમી નિરાકરણ અને કૃષિ ક્ષેત્રે માળખાગત સુવિધાઓના વિસ્તરણ માટે લેવામાં આવેલા શ્રેણીબદ્ધ નિર્ણયો રાજ્યના કૃષિ અર્થતંત્રમાં નિર્ણાયક વળાંક સમાન સાબિત થઈ શકે છે. આ જાહેરાતોમાં સિંચાઈ માટેની ‘સૌની’ અને ‘સુજલામ સુફલામ’ યોજનાઓના વ્યાપમાં વધારો, ટ્રેક્ટર-ટ્રોલીના પાસિંગમાં મુક્તિ, અને વન્ય પ્રાણીઓથી પાકના રક્ષણ માટે ફેન્સિંગ યોજનામાં ધરખમ સુધારાનો સમાવેશ થાય છે.
નિર્ણયોમાં સૌથી વધુ રાહત આપનારો નિર્ણય ટ્રાન્સપોર્ટ અને ખેતીવાડીના સાધનોને લગતો છે. ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદનોના વહન માટે ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટર અને ટ્રોલીના આર.ટી.ઓ. પાસિંગમાં પડતી વહીવટી મુશ્કેલીઓ ધ્યાને લઈને સરકારે હવે 3 થી 5 વર્ષ સુધી પાસિંગ પ્રક્રિયામાંથી મુક્તિ આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી નાના ખેડૂતોને કાયદાકીય ગૂંચવણોમાંથી મુક્તિ મળશે અને સમય તેમજ નાણાંની પણ બચત થશે. આ ઉપરાંત, વીજળીના ટાવરો ઉભા કરવાને કારણે ખેડૂતોની જમીનને થતા નુકસાન અને વળતરના પ્રશ્નો માટે સરકાર ટૂંક સમયમાં એક નવી અને સર્વગ્રાહી પોલિસી જાહેર કરવાની તૈયારીમાં છે. આ પોલિસી અંતર્ગત જમીનનું યોગ્ય બજાર ભાવ મુજબ વળતર મળે અને ખેડૂતોના હકોનું રક્ષણ થાય તેવું માળખું તૈયાર કરવામાં આવશે, જે લાંબા ગાળાના જમીન વિવાદોને ડામવામાં મદદરૂૂપ થશે.
જળ વ્યવસ્થાપન અને સિંચાઈ ક્ષેત્રે ગુજરાત મોડેલને વધુ મજબૂત બનાવતા કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે કે સુજલામ-સુફલામ અને સૌની યોજના અંતર્ગત તળાવો ભરવાની મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. હવે પાઈપલાઈન નેટવર્ક દ્વારા ગામના તળાવો અને ચેકડેમો 7 કિલોમીટરના વિસ્તાર સુધી તબક્કાવાર ભરવામાં આવશે. ડ્રીપ ઇરિગેશન અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતા ખેડૂતો માટે સબસીડીના દરોમાં વધારો કરવાની પણ મંજૂરી આપી છે.
ખેતીમાં વન્ય પશુઓ અને જંગલી જાનવરો દ્વારા થતા પાક નુકસાનની સમસ્યા અત્યંત ગંભીર રહી છે, આ સમસ્યાના ઉકેલ માટે સરકારે કાંટાળા તારની ફેન્સિંગ યોજનામાં મોટો સુધારો કર્યો છે. અગાઉ આ યોજનામાં રનિંગ ફૂટ દીઠ 200 રૂપિયા મળતા હતા, જે વધારીને હવે 300 રૂપિયા કરવામાં આવ્યા છે. તેમજ 2 હેક્ટર કે તેથી ઓછી જમીન ધરાવતા સીમાંત ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળે તે માટે નિયમોમાં લચીકતા લાવવામાં આવી છે….

