જામનગર: જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના સરપંચના પત્ની અને પુત્રની બીમારી દુર કરવાના બહાને સાધુના વેશમાં આવેલી મદારી ગેંગે રૂા.1.28 કરોડ ઉપરાંતની છેતરપીંડી અને લૂંટ કર્યાના ગુનામાં પકડાયેલા 4 શખસોને કોર્ટમાં રજુ કરીને 4 દિવસના રીમાન્ડ પર લઈને આકરી ઢબે પુછપરછ આરંભી છે અને અન્ય ફરાર બે શખસોની શોધખોળ આરંભી છે.

ગીગણી ગામના સરપંચ રમેશભાઈ હંસરાજભાઈ કાલરીયા (ઉ.વ.67) નામના વૃધ્ધને દોઢેક માસ સાધુના વેશમાં ભેટી ગયેલા શખસોએ પત્ની-પુત્રની બીમારી દુર કરવાનું અને પૈસા બનાવવાની લાલચ આપીને વિશ્વાસમાં લઈ લીધા હતાં. જે બાદ વીધીના નામે કટકે-કટકે રોકડ રૂ.87,14,000 તેમજ રૂા.41,57,500ની કિંમતના સોનાના દાગીની છેતરપીંડી અને રોકડ રૂા.63 હજારની લૂંટ કરી હતી.


આ ગુનાનો ભેદ ઉકેલવા એલસીબી, જામજોધપુર પોલીસે જુદી જુદી ટીમો બનાવીને ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાંખ્યો હતો અને સાધુના વેશમાં છેતરપીંડી આચરતી મદારી ગેંગના ધારૂનાથ જવરનાથ સોલંકી, રૂમાલનાથ સુરમનાથ પરમાર, જોગનાથ કાળુનાથ પરમાર, વિજય જવરનાથ સોલંકી (રે.તમામ મોરબી જિલ્લાના વાકાનેર તાલુકાના ભોજપરા)ને ઝડપી લીધા હતાં. તેના કબ્જામાંથી રોકડ રૂા.75,40,000, સોનાના દાગીના, કાર, 5 મોબાઈલ ફોન મળીને કુલ રૂા.1,19,50,000નો મુદામાલ કબ્જે કર્યો છે. જેમાં ગેંગના બહાદુરનાથ સુરમનાથ પરમાર અને જાલમનાથ વિરમનાથ પરમારના નામ ખુલ્યા છે.

પકડાયેલા ચારેય શખસોનો સ્થાનિક પોલીસે કબ્જો લીધો છે. આજે પીઆઈ એમ.એન.ચૌહાણે સ્ટાફના પી.પી.જાડેજા અને હરેશભાઈ પરમારે ચારેય શખસોને કોર્ટમાં રજુ કરીને તા.3 એપ્રિલ સુધી રીમાન્ડ પર લઈને ઓળખ પરેડ કરીને ચારેય શખસોની આકરી ઢબે પુછપરછ કરવામાં આવી રહી છે.