કેરાળાના મુકેશભગત તથા સંતો મહંતોની આગેવાની રહેશે
ધર્મની અંદર રાજકારણ કોઇપણ ભોગે ચલાવી શકાય નહી
કોઇપણ રાજકીય માણસ આ યાત્રાનો આગેવાન ન બને તેવી માંગ ઉઠી
વાંકાનેર: થોડા દિવસ પહેલા વાંકાનેરનું પૌરાણીક અને મોટું મંદિર ધરાવતા રઘુનાથજી મંદિરમાં વાંકાનેર શહેર અને તાલુકામાં આવેલ મંદિરોમાં બીરાજતાં સંતો-મહંતો સાથે મળી અને આ વખતે કૃષ્ણો જન્મોત્સવ અને શોભાયાત્રા સાધુ સંતો અને મહંતોની આગેવાનીમાં જો કરવામાં આવે તો સનાતન હિન્દુ ધર્મની વધારેમાં વધારે સંખ્યા થાય અને કોઇપણ રાજકીય માણસ આ યાત્રાનો આગેવાન ન બને તેવી માંગ ઉઠી હતી.
આ વાતની જાણ વિશ્વ હિન્દુ પરિષદ તથા અન્ય હિન્દુ સંગઠનોને પણ કરવામાં આવી હતી. વાંકાનેરના ધારાસભ્ય અને વાંકાનેરના રાજયસભાના સાંસદને પણ જાણ કરી છે. દરેક લોકોને આ વાત બહુ ગમી હતી અને એક જ અવાજ હતો કે રાજકારણમાં ધર્મનું હોવું જરૂરી છે, પરંતુ ધર્મની અંદર રાજકારણ કોઇપણ ભોગે ચલાવી શકાય નહી, તો બધા લોકોએ આમા સાથે જોડાઇ જવું; એ સનાતન હિન્દુ ધર્મ માટે અનિવાર્ય છે.
આ બાબતે બે વાર સંતો મહંતો ભેગા થયા હતાં અને આખરે નકકી કરવામાં આવ્યું કે, આ વખતે શ્રી કૃષ્ણો જન્મોત્સવની શોભાયાત્રા બધા સંતો મહંતોની આગેવાનીમાં કાઢવામાં આવશે. વાંકાનેર મધ્યમાં આવેલ ફળેશ્વર મહાદેવના મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવે છે તે જ રીતે યાત્રા કાઢવામાં આવે અને જુના રુટ પ્રમાણે જ શોભાયાત્રા કાઢવામાં આવશે. દરેક બાબતોમાં કેરાળાના મુકેશભગત તથા સંતો મહંતોની આગેવાનીમાં આ યાત્રા કાઢવામાં આવશે, તેવું નકકી કરવામાં આવેલ હતું.
આગામી તા. ૨૦-૮-૨૦૨૩ને રવિવારના રોજ ફળેશ્વર મંદિરની જગ્યામાં સાંજે ૫-૩૦ કલાકે એક ભવ્ય મીટીંગનું આયોજન રાખવામાં આવેલ છે. મીટીંગ પૂર્ણ થયા બાદ મહા પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે; તો સનાતન હિન્દુ ધર્મપ્રેમીઓએ દરેક વિસ્તારમાંથી બધા મિત્ર મંડળો અને સેવા આપતી સંસ્થાઓએ આવવા અને સાધુ સંતોનું માન રાખી અને સાધુસંતોની આગેવાનીમાં નિકળનાર શોભાયાત્રામાં સહકાર આપવા અનુરોધ કરાયેલ છે.