લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ કર્મચારીઓને ભેટ મળી છે. નેશનલ હેલ્થ મિશન હસ્તકના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. કરાર આધારિત કર્મચારીઓના પગારમાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ટેક્નિકલ અને નોનટેક્નિકલ કર્મચારીઓના પગાર આ નિર્ણય બાદ વધી જશે. 26 હજાર કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે.
કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા
નેશનલ હેલ્થ મિશન હેઠળ ગુજરાતમાં મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશયન, સ્ટાફ નર્સ, પારા મેડિકલ વર્ક જેવા મેડિકલ ફિલ્ડ સહિત ઉપરાંત બિન મેડિકલ ફિલ્ડના ઘણા બધા પદો ઉપર કર્મચારીઓ ફરજ બજાવે છે. નેશનલ હેલ્થ મિશન હેઠળ કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ તાજેતરમાં પગાર વધારા મામલે હડતાળ પર ઉતર્યા હતા. આરોગ્ય વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આયુષ ડોક્ટર સહિત કર્મચારીઓ કરાર આધારિત ફરજ બજાવે છે.
સરકારી હોસ્પિટલો, આરોગ્ય વિભાગની કચેરીઓ તેમજ ફિલ્ડમાં જન આરોગ્ય સાથે સંકળાયેલી સેવાઓમાં ફરજ બજાવતા આ કર્મચારીઓ છે. સુધારેલો પગારવધારો જાહેર ન કરાયો હોવાથી NHMના કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોવાની લાગણી સાથે નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ ગુજરાત દ્વારા ૪-૯-૧૮ સુધીમાં નવો સુધારેલો પગાર વધારો જાહેર નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હતી. અને જિલ્લા પંચાયત આગળ દેખાવો કર્યા હતા. જો કે સરકારે તેમની માંગણી સ્વીકારી અને આજે પગાર વધારો જાહેર કર્યો છે. NHMના ટેક્નિકલ અને નોન ટેક્નિકલ કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. જેનો 26 હજાર કર્મચારીઓને લાભ થશે.
સરકારમાં લેખિત રજૂઆતો પણ કરી હતી
રાજ્યમાં ગરીબ દર્દીઓને વિવિધ સુવિધા પૂરી પાડવામાં આવે છે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફરજ બજાવતા મોબાઇલ ડોક્ટર, ફાર્માસિસ્ટ, લેબટેક, જીએનએમ સહિતની પોસ્ટ પર ૧૧ મહિનાના કરાર આધારિત સ્ટાફ છેલ્લા ૧૫ વર્ષથી નોકરી કરે છે. તેમને દર વર્ષે પાંચથી સાડા બાર ટકા સુધીનો વેતન વધારો અપાય છે. પરંતુ મોઘવારીની તુલનામાં આ ઓછો હોવાનું તેમનું કહેવું છે. તાજેતરમાં જ આ કર્મચારીઓએ નોકરીનો સમય નક્કી કરવા, પગાર વધારવા, કાયમી કરવા સહિતની તેઓની માંગણી સ્વીકારવા અંગે નેશનલ હેલ્થ મિશનના રાજ્યના ડાયરેક્ટરને રજૂઆત કરી હતી. જેમાં મેડિકલ ઓફિસર અને નર્સ સહિતના સ્ટાફે લેખિતમાં પોતાની માંગણીઓ રજૂ કરી હતી.