નજીકની આંગણવાડીના ભૂલકાંઓના સ્વાસ્થ્યનું શું ?!
દૂષિત પાણીનો રસ્તા પર જમેલો થઇ જતાં રોગચાળાની દહેશત
વાંકાનેરમાં જ્યારથી વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી શહેરીજનોની માઠી દશા બેઠી છે. ધણીધોરી વગરની પાલિકામાં કોઈ પણ પ્રજાહિતના કામો કરવામાં તંત્રને જાણે કોઈ જ રસ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પાલિકામાં વહીવટદાર શાસન લાદવામાં આવતા શહેરીજનોની માઠી દશાની શરૂઆત થઈ છે. વીશીપરામાં ભૂગર્ભ જામ થઇ ગઇ હોવાથી દુષિત પાણી રસ્તા પર ફેલાઇ રહ્યા છે અને તેની સાફસફાઇ કરવાની દરકાર ન થતાં ઘરે ઘરે માંદગીના ખાટલાખડકાય તેવી ભીતિ છે. જન્માષ્ટમી પર્વે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની ઘટના બની હતી, જેમાં વિશીપરા, મિલ કોલોની, રેલવે સ્ટેશનના મુખ્ય માર્ગ પર ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા હતા જેના નિકાલ માટે પાલિકાને રજૂઆત કરાઇ હતી, પરંતુ અંતે ઉપરી અધિકારીઓને રજૂઆત કરાતા જ પાલિકા તંત્ર સફાળુ જાગ્યું હતું અને પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરાઇ ત્યારે હવે વીસીપરાનાં સ્મશાન રોડ વિસ્તારમાં ભૂગર્ભ છેલ્લા કેટલાય સમયથી
ઉભરાઇ રહી છે. આ બાબતે નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં બહેરા કાને અથડાઈને રજૂઆત પાછી આવે છે. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર આગળનાં ભાગે બ્લોક થવાથી પાણી ગટરની કુંડીના ઢાંકણામાંથી ચોવીસ કલાક નીકળ્યા કરે છે પરિણામે આ વિસ્તારમાં ગંદકીના ગંજ જામી ગયા છે સાથે જ રોગચાળાએ માથુ ઉંચક્યું છે. જો ગટરની કામગીરીને ધ્યાને લેવામાં નહિ આવે તો રોગચાળો ફાટી નીકળવાની સંભાવના સેવાઈ રહી છે. હાલ પણ જ્યાં રસ્તા પરથી ગટરના પાણી
વહી રહ્યા છે તે વિસ્તારમાં અનેક ઘરમાં માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. આ ગટરની ગંદકી જામી છે અને ગંદા પાણી વહી રહ્યા છે ત્યાં જ આંગણવાડી આવેલી છે જ્યાં નાના નાના ભૂલકાઓ અભ્યાસ કરતા હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં નાના ભૂલકાઓ રોગનો શિકાર બને નહિ તે પહેલાં તંત્ર જાગે અને પોતાની ફરજ બજાવે તેવી સ્થાનિક દ્વારા માંગ ઉઠી છે. સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે અનેકાનેક યોજનાઓ લાગુ કરાય છે પરંતુ પાલિકા દ્વારા કોઇ અમલ થતો હોય
તેમ દેખાતું જ નથી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચેરીઓ, મંદિરો, અનેક સ્થાનોની સફાઈ ઝુંબેશ ચલાવી ગંદકી દૂર કરી સ્વચ્છ ભારત બનાવવા માટે આગ્રહ રાખવામાં આવે ત્યારે પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, મામલતદાર કમ વહીવટદાર યુ.વી. કાનાણી, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ ફોટો સેશન કરીને સંતોષ માની લીધો હોવાનો ચિતાર આ ગંદકી આપી રહી છે.