સવારે ૧૦ વાગ્યે ઝૂલૂસ: સલાતો સલામ બાદ તમામ લોકો માટે આમ ન્યાઝનું આયોજન
વાંકાનેર તા. ૨૧. આવતી કાલે સંભવતઃ રમઝાન ઇદની ઉજવણી શાનદાર રીતે થશે. બાદમાં બીજા દિવસે રવિવારે વાંકાનેરના મલંગ હઝરત શાહ બાવાનો ઉર્ષ હોઇ, તેની ઉજવણી ધામધુમથી થશે.
આ ઉર્ષ પ્રસંગે રસાલા રોડ ખાતે આવેલા હઝરત જોરાવરપીર ડાડાની દરગાહે પ્રથમ ચાદર ચઢાવીને સવારે ૧૦ વાગ્યે ઝૂલૂસની શરૂઆત થશે. આ ઝૂલૂસમાં કોમી એકતાના પ્રતિક તમામ આગેવાનો જોડાશે. જે ગ્રીનચોકથી ચાવડી ચોક, મારકેટ ચોક, પ્રતાપ ચોક, થઇ રામચોક ખાતે આવેલ હઝરત શાહબાવાની દરગાહે પહોંચી ત્યાં શાહબાવા ટ્રસ્ટના ચેરમેન, મામલતદાર શ્રી, વાંકાનેરના હીઝ હાઇનેસ કેશરી દેવસિંહ, વાંકાનેર મુસ્લિમ સમાજના પ્રમુખ ગુલમામદભાઇ બ્લોચ, વાંકાનેર નગરપાલીકાના પૂર્વ કાઉન્સીલરો, પૂર્વ પ્રમુખો સાથે શાહબાવાના મઝાર પર ચાદર ચઢાવી અને સલાતો સલામ બાદ તમામ લોકો માટે આમ ન્યાઝ બાંટવામાં આવશે.
આ પ્રસંગે શાહબાવા ટ્રસ્ટના તમામ સભ્યો એકતાના ભાગરૂપે આવેલા તમામ આગેવાનોનું ફુલહારથી સ્વાગત કરશે. બાદમાં રાત્રીના ૯-૩૦ કલાકે શાહબાવાની તુરબતે સંદલ સહિતની રસમ અદા કરવામાં આવશે.