સરકાર પાસે માર્ગદર્શન મંગાશે
મોરબીને મહાનગર પાલિકો દરજ્જો મળ્યા બાદ હવે મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોનો સુનિયોજિત વિકાસ કરવા સરકારે મવડાની રચના કરી છે ત્યારે મવડાની પ્રથમ બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર અને મવડાના ચેરમેનના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ પ્રથમ બેઠકમાં કચેરીનો સ્ટાફ તેમજ નવી કચેરી માટે ખર્ચ કરવા સરકાર પાસેથી ગ્રાન્ટ માંગવા નક્કી કરવામાં આવ્યું હતું.

રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપ્યા બાદ વર્ષો પહેલા બાળમરણ પામેલ મવડાને પુનઃ જીવિત કરી હાલમાં મોરબી શહેરના આસપાસના વિસ્તારને બદલે માત્ર મોરબી મહાનગરપાલિકામાં ભળેલા વિસ્તારોના સુનિયોજિત વિકાસ કરવા માટે નક્કી કરાયું છે. મવડાની જાહેરાત બાદ પ્રથમ બેઠક જિલ્લા કલેકટર અને મવડાના ચેરમેન કિરણ ઝવેરીના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં મ્યુનિ.કમિશનર સ્વપ્રિલ ખરે, ડીડીઓ જે.એસ.પ્રજાપતિ, ડે.કમિશનર કુલદીપસિંહ વાળા, ચીફ ટાઉન પ્લાનર તેમજ રાજકોટથી અન્ય અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા.

દરમિયાન મવડાની પ્રથમ બેઠકમાં બાંધકામ પરવાનગી અંગેની 23 જૂન પહેલાની અરજીનો કેવી રીતે નિકાલ કરવો, વાંકાનેર નગરપાલિકા વિસ્તારને મવડામાં સમાવેશ કરવો કે નહીં તે અંગે સરકારનું માર્ગદર્શન માંગવું તેમજ મવડાની કચેરી અને મવડાની કચેરીના સ્ટાફ માટે સરકારમાંથી ખર્ચની ગ્રાન્ટ માંગવા નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, હાલમાં મવડાની કચેરી નવી ન બને ત્યાં સુધી મવડાની કચેરી જિલ્લા કલેકટર કચેરી ખાતે કાર્યરત રાખવામાં આવશે તેવું નક્કી કરાયું હતું…

