વાંકાનેર-કુવાડવા મેઇન રોડ પર સિંધાવદર ગામ નજીક આસોઇ નદી પરનો પુલ ડેમેજ થયો છે, જે અંગે જાગૃત પત્રકાર યાકુબ બાદી દ્વારા લાઇવ કવરેજ સાથે તંત્રની આંખ ઉઘાડતો અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ તાત્કાલિક પુલ પરથી વાહનોની અવરજવર બંધ કરી ગાબડુંપૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે પૂર્ણતાના આરે પહોંચતા વાહનવ્યવહાર શરૂ કરતાં પહેલાં અધિકારીઓએ પુલનું નિચેથી નિરીક્ષણ કરતાં ભોપાળું છતું થતા પુલની નીચે લોખંડના ગડરો પણ વધારે ડેમેજ હોય જેનું રીપેરીંગ કામ કરવું પડે તેમ હોવાથી હજુ લાંબો સમય પુલની મરામત કામગીરી ચાલે તેમ હોવાથી અંતે ખખડધજ હાલતમાં ફેરવાયેલ કામચલાઉ ડાયવર્ઝનમાં તંત્ર દ્વારા ડામર પાથરી પેચવર્ક કરેલ છે, આ ડાયવર્ઝન પહેલાથી જ જો કરવામાં આવ્યું હોત તો લોકોએ ભોગવેલી હાલાકી ન ભોગવવી પડત, કોને પડી છે?
સિંધાવદર પાસેના આસોઈ નદી પરનો આ પુલ આમ તો લાંબા સમયથી ખખડધજ બની ગયો છે, પરંતુ છતાં તંત્રને તે દેખાતું ન હોય તેમ અવારનવાર પુલમાં થિગડા મારી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. છેલ્લા ચાર-પાંચ વર્ષમાં આ પુલમાં ચારથી વધારે વખત સમારકામ કરવામાં આવ્યું છે, છતાં હજુ તંત્ર અહી સમારકામમાં જ લાગેલું છે…
આ બાબતે માહિતી આપતા ડેપ્યુટી ઇજનેર સંદીપ કડિવારે જણાવ્યું હતું કે, પુલની સ્થિતિ જોતાં ભારે વાહનોને આ પુલ પરથી પસાર થવા દેવામાં નહિ આવે, માત્ર નાના વાહનો માટે પુલ ખુલ્લો મુકવામાં આવશે. તેમજ પુલની જર્જરિત હાલત જોઈ હાલ તાબડતોડ ડાઇવર્જન
માટેનો રસ્તાને તાત્કાલિક અસરથી રીપેરીંગ કરવામાં આવ્યો છે. હવે આખા પુલનો સર્વે કરી બાદમાં જ નિર્ણય લેવામાં આવશે ત્યાં સુધી ભારે વાહનોને ડાઈવર્જનમાંથી ચલાવવા જરૂરી છે. ત્યારે થીગડાં મારીને ચલાવવામાં ક્યારેક જીવલેણ અકસ્માત થવાની શક્યતા નકારી
શકાય નહીં. આ ડેમેજ પુલ પર રીપેરીંગ બાદ વાહનો માટે ખુલ્લો મુકવામાં આવે અને જો કોઈ અઘટિત દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ ? અગાઉ સરકારે રાજ્યમાં જર્જરિત પુલોનું સર્વે કરાવેલો, ત્યારે આ પુલનો સર્વે રિપોર્ટ શું આવ્યો અને એ બાબતે કેમ કશા પગલાં ન લેવાયા, તે બાબતે સ્થાનિક ધારાસભ્યે ખુલાસો પૂછવો જોઈએ, એવું લોકો ઈચ્છી રહ્યા છે….
