વાંકાનેરના રાજા પસંદ કરેલ ગામનું નામ પૂછવા આવવાના હતા, હવે જો ઘરે આવે અને ખબર પડે તો વારો ચડી જાય. રાજકોટ ઠાકોર છોડે જ નહીં. અને રાજ ડોસાજીને પણ જોખમ ઉભું થાય
અભરામદાદા અને કડીવાર કુટુંબે પોતાના ખોરડાં બનાવવાનું શરૂ કરી દીધું. ગારા-પાણાંથી દીવાલ ચણી. ઉપર છાપરું અને છાણમાટીની ગાર કરી. નવા ઘરમાં રહેવા આવી ગયા, પહેલે દિવસે સવા પાલીની લાપસીનો ફાતિયો પોતાને મક્કાથી જોડિયા પહોંચાડનાર સદરૂદીન બાવાના વાલિદના નામથી હાજીયાણીમાંએ દીધો. ફળીમાં એક લીમડો વાવેલો, જેથી લીમડાવાળું ફળી કહેવાતું, જે હાલ ગઢ છે, તેની આસપાસ ક્યાંક હતું.
રાજકોટમાં ત્યારે ઠાકોર રણમલજીનું રાજ. નક્કી તો કર્યું કે રજા વગર છાનામાના સીંધાવદર ભેગું થઇ જવાનું, પણ બીજે દી હાજીયાણીમાંએ અભરામ દાદાને કહ્યું કે ” મારૂં મન માનતું નથી, તું ઠાકોરની રજા લેવા રાજકોટ જા…”
“આપણે અહીંથી કાગદડીથી કોટડા અને ત્યાંથી સીધા સીંધાવદર પોગી જઈશું. પછી શું જરૂર છે રજા લેવાની? અને જો રજા નહીં આપે તો વાંકાનેરના રાજા પાસે આપણે ખોટા પડશું, પછી શું કામ રાજકોટ ઠેઠ લાંબા થવાનું? ” પણ હાજીયાણીમાં માન્યા નહીં. પટારામાંથી થાપણાંનું રાખેલું ફૂમકાંવાળું કેડિયું અને ચોરણો કાઢીને આપ્યો. અભરામ દાદાએ કાનમાં અત્તરનું પૂમડું ભરાવ્યું. હાજીયાણીમાંએ બનાવેલી ઘીની સુખડીનું ભાતુ અને પાણીની બતકનો ખડિયો નાખ્યો ખમ્ભે, માથે ઓછાડ અને કેડે ભેટ બાંધી ક-મને ચાલ્યા રાજકોટ. અગાઉના ઝમાનાના માણસો દશ-બાર ગાઉનો પલો પગપાળા ચાલીને કાપતા. અત્યાર જેટલા વાહન નહીં.
રાજાએ સીધું જ પૂછ્યું “તમારે ઘરે ઘોડેસ્વાર કોણ આવ્યો હતો?”
ભારે કરી, વાંકાનેરના રાજ ડોસાજી અને રાજકોટના રણમલજીના ત્યારે સંબંધ સારા નહીં. રાજ ડોસાજી સહેજ લંગડા ચાલતા એટલે એને બધા હનુમાન કહેતા. અભરામદાદા જો સાચી વાત કરે તો રજા, રજાને ઠેકાણે રહે અને જેલના સળિયા ગણવાનો વારો આવે, પણ આ વાતની ખબર આ રાજાને કઈ રીતે પડી. દીવાલને પણ કાન હોય છે. “એ તો કોઈ તરસ્યો માણસ હતો, પાણી પીવા આવ્યો હતો.” ખોટું બોલવાની ટેવ નહીં એટલે શબ્દો ગોતવામાં અને વિણવામાં માંડમાંડ ભેગું થયું. અભરામદાદા પરસેવો લૂછી બોલ્યા. ” અમારા સગાવહાલા કુટુંબી બધાય વાંકાનેર, અટલે વાર-પરબે, સારા-નરસા પરસંગે વાંકાનેર સારૂં રહે”
રાજાએ એક ચબરખી લખી અભરામદાદા ને આપી. “કાગદડી થાણામાં બતાવજો, તમને કોઈ નહીં રોકે…”
ખોવાઈ ન જાય તેમ અભરામદાદાએ ગંજીના ચોરખાનામાં સંભાળીને રજા ચીઠી મૂકી. જીવમાં જીવ આવ્યો, મુસીબત ટળ્યાની વાતે રાજી થતા થતા પાછા વળતા રસ્તામાં પીપરના છાંયે બેસી ભાતું ખાધું. ઘરે આવ્યા, એકડે એકથી બધી વાત કરી, માંને પૂછ્યું કે “રાજાને ખબર કઈ રીતે પડી હશે?”
હાજીયાણીમાં ત્યારે રહીરહીને બોલ્યા કે “કડીવારના માજીએ કહેલું કે ગામમાં વાતો થાય છે કે ઘોડેસવાર આવ્યા હતા, આ વાત ફરતી ફરતી ‘કોઈને કેતીની કોઈને કેતીની’ કરીને રાજા પાસે પોગી જ જાય”.
“…તો આ વાત પહેલા મને કેમ ન કરી?”
“તો તને ભાર રહેત કે રાજાને ખબર પડી ગઈ છે અને તો તું બીકમાં ને બીકમાં ભાંગરો વાટત” વાત સાચી હતી. “ઘરવખરી ભરેલા બબ્બે ગાડાં અને ગાય-ભેંસો લઈને અહીંથી છટકવું સહેલું ન હોય દીકરા !”
મોટેરા ઠાવકાઇ રાખે નાના અજ઼ડ઼ાઈ. ‘શોલે’માં ધર્મેન્દ્રને ટાંકી પર ચડી બોલેલા ડાયલોગ સાંભળવા તો સૌને ગમે, થિયેટરમાં હીરો પંદર-વીશને ઢાળી હિરોઈનને છોડાવતો જોઈ તાળીઓ વગાડવી જેટલી સહેલી છે, વાસ્તવિક જીવનમાં જયારે તરઘાયા વાગે ત્યારે એટલું જ અઘરૂં થઈ પડે. નામના ડંકા વગાડવા સહેલા નથી, પણ હવે માં-દીકરાને મૂંઝવણ એ હતી કે વાંકાનેરના રાજા પસંદ કરેલ ગામનું નામ પૂછવા આવવાના હતા, હવે જો ઘરે આવે અને ખબર પડે તો વારો ચડી જાય. રાજકોટ ઠાકોર છોડે જ નહીં. અને રાજ ડોસાજીને પણ જોખમ ઉભું થાય. આથી રાજાના આવવાના માર્ગે અભરામદાદા સામા ગયા. રાજા આવ્યા તો વિગતે વાત કરી. રાજ ડોસાજી રાજી થયા.
નક્કી થયેલા દિવસે ગાડા ભરી કડીવાર અને શેરસીયા કુટુંબ સીંધાવદર આવવા રવાના થયા. સીંધાવદરની આથમણી બાજુ આસોઇ નદી, કુવામાં તળ ઊંચા રહે. હટાણું કરી વાંકાનેરથી પાછા આવી બપોરા ઘરે કરવા મળે. કહેવાય છે કે સીંધાવદરનું તોરણ સીતાપરા કોળી લોકોએ બાંધેલું. ત્યારે આજનો દરબારગઢ નહીં. આજના અશરફનગર, કાસમપરા, લીંબાપરા, ગાત્રાળનગર નહીં. સહકારી મંડળી સામે જ્યાં નિશાળ છે ત્યાં ગામનો ઝાંપો. આથમણી બાજુ ગેબનશાપીરની દરગાહ છે, ત્યાં ગામ પૂ રૂ થઇ જતું હતું, ચાલીસ-પચાસ જ ઘર.
એક આડી વાત જણાવી દઈએ કે મોમીન સમાજમાં જેટલી અટકો છે, તેમાંથી ત્રણ કુટુંબોના પેટા વિભાગ પણ છે. શેરસીયા કુટુંબમાં એક નરેદાવાળા અને બીજા લાંબા શેરસીયા, બાદી કુટુંબમાં વડ અને ખડ તથા કડીવાર કટુંબમાં દાદીવારા અને નાના કડીવાર. હાજીયાણીમાંનું કુટુંબ લાંબા શેરસીયામાં આવે છે.
મફતના ખોરડાં લેવાની હાજીયાણીમાંએ ના પાડેલી અને અભરામદાદા સામે આવી ચેતવી ગયેલા, એ બે વાત રાજાના મનમાં ઘર કરી ગયેલી. આથી રાજા ખુદ ઘોડા પર સ્વાર થઇ આવતા ગાડાનુ સ્વાગત કરવા વાંકાનેરના સીમાડે ઉભા રહેલા. રાજાએ બે સાંતીની જમીન આપી. સીંધાવદરમાં રાજના ખોરડામાં પીપળીયારાજના આ લોકોને ઉતારો અપાયો. બીજે જ દિવસે અભરામદાદા અને કડીવાર કુટુંબે પોતાના ખોરડાં બનાવવાનું શરૂ કરી દીધું. ગારા-પાણાંથી દીવાલ ચણી. ઉપર છાપરું અને છાણમાટીની ગાર કરી. નવા ઘરમાં રહેવા આવી ગયા, પહેલે દિવસે સવા પાલીની લાપસીનો ફાતિયો પોતાને મક્કાશરીફથી જોડિયા પહોંચાડનાર સદરૂદીન બાવાના વાલિદના નામથી હાજીયાણીમાંએ દીધો. ફળીમાં એક લીમડો વાવેલો, જેથી લીમડાવાળું ફળી કહેવાતું, જે હાલ ગઢ છે, તેની આસપાસ ક્યાંક હતું.
અભરામદાદા અપાયેલી નવી જમીનનો ક્યાસ કાઢવા અને કઈ વાડીમાં કયો પાક વવાય અને પાણીની સગવડતા કેવીક છે… વગેરે માહિતી માટે પોતાના બધા ખેતરે આંટો મારવા ગયેલા, અને હાજીયાણીમાં ઘંટુલે દરણુ દરતા હતા કે એક દાઢીધારી ઘોડેસવાર ફળિયામાં આવ્યા. ઝીણી આંખે જોયું, એ બીજા કોઈ નહીં પણ મક્કાશરીફથી જોડિયા પહોંચાડનાર સદરૂદીન બાવા ખુદ હતા. એમણે પીપળીયારાજ એક વાર આવવાનો વાયદો હાજીયાણીમાંને કર્યો હતો. પહેલા એ પીપળીયારાજ ગયા હતા, ત્યાં ખબર પડી કે હાજીયાણીમાં તો ગવરીદડ રહેવા ગયા છે. એટલે પીપળીયારાજથી ગવરીદડ જતા હતા, ત્યારે રસ્તામાં એક ઠેકાણે માણસોનું ઉભેલું ટોળું જોયું. બાવા ત્યાં ગયા તો ખબર પડી કે એક ખેડૂતનો બળદ એરૂ કરડવાથી મરી ગયો છે. બાવાએ તે બળદની ઉપર દમ કરતા બળદ ઉભો થઇ ચાલતો થઈ ગયાની લોકવાયકા છે. તે સાચા વલી હતા. ગવરીદડ ગયા તો ખબર પડી કે હાજીયાણીમાં સીંધાવદર રહેવા જતા રહ્યા છે. આથી તેઓ સીંધાવદર આવ્યા. એમના વંશજો હાલ પાકિસ્તાનમાં છે અને સદરૂદીન બાવાનો મઝારશરીફ હાલ અબડાસા તાલુકાના વિંઝાણ (કચ્છ)માં છે. (ક્રમશ:)