રામપરા વન્ય અભ્યારણમાં બે દિવસ નિવાસી પ્રકૃતિ શિબિર યોજાઈ
વાંકાનેર: ગુજરાત વન વિભાગ દ્વારા દર વર્ષે રામપરા વન્ય અભ્યારણને વિદ્યાર્થીઓ માટે શિબિરની ફાળવણી કરવામાં આવે છે, જેથી નવી પેઢીના બાળકો પ્રકૃતિના સાનિધ્યમાં રહીને વન્ય જીવ અને વાતાવરણને સમજી શકે. રામપરા વન્ય અભ્યારણ કચેરીની મંજૂરી સાથે સિંધાવદરની એસ.એમ.પી. હાઈસ્કૂલના 50 વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શક શિક્ષકો ઇલમુદીન બાદીસાહેબ તેમજ જુનેદસાહેબ સાથે રહીને તારીખ 13 અને 14 એમ બે દિવસની નિવાસી શિબિરનું આયોજન કર્યું હતું.
રામપરા અભ્યારણના વન અધિકારી શ્રી વિપુલભાઈ ગોહિલ સાહેબે વન્યજીવો, વન્યસૃષ્ટિ, જીન પુલ, સંવર્ધનકેન્દ્ર, વિવિધ વનસ્પતિ વિશે બાળકોને સંપૂર્ણ માહિતી આપી હતી. સાથે સાથે સમાન્યજન, અભ્યારણની આજુબાજુના ગ્રામજનો વન્યસૃષ્ટિ માટે કેવી રીતે મદદરૂપ થઈ શકે તેની માહિતી આપી હતી. જંગલી પશુઓના રેસ્ક્યુ કેવી રીતે થાય, અને હેલ્પ લાઇન નંબર પર કેવી રીતે કોલ કરાય તેવી બાબતોથી બાળકોને માહિતગાર કર્યા હતા. રાત્રી ભોજન બાદ કેમ્પ ફાયરમાં બાળકોને મનોરંજન સાથે જ્ઞાન મળે તેવી ઘણી બધી વાતો વિપુલ ગોહીલ સાહેબે બાળકો સાથે કરી હતી. શિબિરના બીજા દિવસે શાળાના આચાર્ય એ.એ.બાદી સાહેબ તેમજ સિનિયર શિક્ષક અશોક અણદાણીસાહેબ પણ શિબિરની મુલાકાતે પધાર્યા હતા.