સંજર ગ્રીન્સના ખુલ્લા પ્લોટમાં જોવા મળ્યો અદભુત સમાગમનો રોમાંચ
વાંકાનેર: શહેરમાં આવેલી ભાટિયા સોસાયટી પાસે સંજર ગ્રીન્સ વિસ્તારમાં એક અનોખો અને દુર્લભ કુદરતી નજારો જોવા મળ્યો છે, જેને મોબાઇલ કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે. અહીંના સંજર ગ્રીન્સ વિસ્તારમાં આવેલા એક ખુલ્લા પ્લોટમાં નાગ અને નાગણની કુદરતી ક્રીડાની દુર્લભ અને આહ્લાદક ક્ષણો કેમેરામાં કેદ થઈ છે. જેણે કુદરત પ્રેમીઓમાં ભારે રોમાંચ જગાવ્યો છે.
મળેલ માહિતી મુજબ સંજર ગ્રીન્સ વિસ્તારમાં એક ખુલ્લા પ્લોટમાં નાગ અને નાગણની જોડી પ્રકૃતિના સાનિધ્યમાં સમાગમ સાધતી જોવા મળી હતી. આ અદભૂત અને નયનરમ્ય દ્રશ્યને ટંકારા એ બીટમાં જમાદાર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી શાહિદભાઈ સિદ્દીકીએ પોતાના મોબાઇલ કેમેરામાં આ ક્રીડાને કેદ કરી લીધી હતી.
આ વીડિયોમાં નાગ-નાગણની નૃત્યાત્મક ગતિવિધિઓ, તેમનો સંનાદ (આપસી સંવાદ), કુદરતી સુંદરતા અને બંનેની લયબદ્ધતા સ્પષ્ટપણે જોવા મળે છે. સામાન્ય રીતે આવા દ્રશ્યો ખુલ્લા જંગલો કે અવાવરું જગ્યાઓએ જ જોવા મળતા હોય છે. ત્યારે શહેરની વસ્તીવાળી સોસાયટી નજીક આવા દુર્લભ દ્રશ્યનું કેદ થવું એ ખરેખર પ્રકૃતિની અદભૂત રચનાનો પુરાવો છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વન્યજીવ પ્રેમીઓ અને સામાન્ય લોકોમાં પણ કુદરતના આ અદ્ભુત સર્જન પ્રત્યે આશ્ચર્ય અને કુતૂહલ જોવા મળી રહ્યું છે. આ ઘટનાએ વાંકાનેર અને આસપાસના વિસ્તારમાં સાપ અને વન્યજીવોના સંરક્ષણ અંગે પણ ચર્ચા જગાવી છે.
