ભાટિયા સોસાયટીને 24 કલાકમાં પાણી આપવા તાકીદ
નર્મદા નીર સમયસર પહોંચી જતાં લોકોને પાણીની સમસ્યા નહીં નડે
પા. પુ. વિભાગે મહાનદીમાં છોડેલું પાણી ગામના પાદરે પહોંચતા ગ્રામ્યજનો સહિત સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજવી કેસરીદેવસિંહ ઝાલાએ નીરના વધામણાં કર્યા હતા
વાંકાનેર તાલુકાના લુણસરથી જાંબુડિયા સુધીના ગ્રામ્ય વિસ્તારમાં નર્મદાના નીર પહોંચાડી પાણીની સમસ્યા દુર કરી દેવાતાં લોકોમાં રાજીપો છવાયો છે. વાંકાનેર તાલુકાના અનેક ગ્રામ્ય પંથકમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, ત્યારે વાંકાનેરનાં લુણસર પંથકના ગામડાઓમાં પાણીની ખૂબ જ જરૂરિયાત હોય જેને ધ્યાને લઇ સાંસદ મોહન કુંડારિયા દ્વારા સરકારમાં ભલામણ કરતા પાણી પુરવઠા વિભાગે મહા નદીમાં પાણી છોડેલું;
તે પાણી છેક ભાયાતી જાંબુડીયાના પાદર સુધી પહોંચતા વાંકાનેરના ગામડાઓના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. નર્મદા નીર પહોંચી જતાં સાંસદ તેમજ રાજવી કેસરીદેવસિંહ ઝાલાએ નીરના વધામણાં કર્યા હતા.
આ તકે મોરબી જિલ્લાના હોદ્દેદારો વાંકાનેર તાલુકાના હોદેદારો અને વાંકાનેર શહેરના હોદ્દેદારો તેમજ તાલુકા પંચાયતના હોદ્દેદારોએ ખાસ હાજરી આપી હતી. ત્યારે મહત્વની બાબત એ છે તાલુકાના હજુ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સ્થિતિ વિકટ બની છે. પાણીની સમસ્યા ભોગવતા ગ્રામ પંથકના લોકોની સાંસદ મોહનભાઈ કુંડારિયા પાસે અપેક્ષા છે કે એ ગામમાં પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવે!
વાંકાનેરની ભાટિયા સોસાયટીને 24 કલાકમાં પાણી આપવા તાકીદ
વાંકાનેર પંથકમાં પાણીની સમસ્યા વિકટ બની ગઈ છે જેમાં ભાગોળે આવેલી ભાટિયા સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.
જેમાં 7 હજારથી વધુ વસ્તી ધરાવતી ભાટિયા સોસાયટીની સ્થાપના સમયથી આજ સુધી સ્થાનિક અગ્રણીઓ, તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરાઇ નથી ત્યારે રાજ્યના જળ સિંચાઇ , પાણી પુરવઠા વિભાગના મંત્રી વાંકાનેરની મુલાકાતે આવેલા ત્યારે ભાટિયા સોસાયટીનાં અગ્રણીઓ દ્વારા લેખિત રજૂઆત કરી હતી.
ભાટિયા સોસાયટીની સ્થાપનાને લગભગ 40 વર્ષ થયા છતાં આજ સુધી પાણીની વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અને સોસાયટી વાસીઓ દ્વારા સ્થાનિકથી માંડી અનેક કચેરીઓમાં રજૂઆત કરી હતી પરંતુ જાડી ચામડીનાં અમલદારોના પેટનું પાણી હાલતું નથી જેથી લોકો નિરાશ થઈ નાછૂટકે મુશ્કેલી વેઠી રહ્યા છે,
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા તાલુકાના છતાપર ગામે મુલાકાતે આવેલા ત્યારે ભાટિયા સોસાયટીનાં અગ્રણીઓ ટીનુભા જાડેજા , કિશોરસિંહ ઝાલા, સદામભાઈ , રાહુલભાઇ સહિતનાઓએ અરજી સાથે મંત્રીને રજૂઆત કરી હતી.
બાવળિયાની મુલાકાત વેળાએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, સ્થાનિક મહિલા અગ્રણી જીજ્ઞાશાબેન મેર દ્વારા સોસાયટીની સમસ્યા વિકટ હોવાનું મંત્રીને જણાવ્યું હતું જેના અનુસંધાને મંત્રી બાવળિયા દ્વારા 7 હજારની વસ્તી ધરાવતા વિસ્તારમાં પાણીની સમસ્યા વિશે અધિકારીઓને ક્લાસ લીધા હતા.