વાંકાનેર: શહેરમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકરો જગા જગાએ નાખવામાં આવેલ છે, જેનો હેતુ અકસ્માતની ઘટના નિવારવાનો હોય છે. પરંતુ વાંકાનેર શહેરમાં આ સ્પીડ બ્રેકરો જ અકસ્માતનું કારણ બને તેવો ઘાટ સર્જાયો છે. લગભગ છ મહિના પહેલા નખાયેલાં આ સ્પીડ બ્રેકરો ઘણી જગાએ તૂટી ગયા છે. (આ તૂટવાની સંભાવના 16 ઓક્ટોબર 2023 ના લેખમાં અમે વ્યક્ત કરી જ હતી) સ્પીડ બ્રેકરો જ્યાંથી તૂટ્યા છે, ત્યાંથી જ આવતા-જતા વાહનો ચલાવવા ગેપમાં ઉભા રહી ગયેલા ખીલાની દરકાર કર્યા વિના
અડચણથી બચવા માટે (અથવા લાભ લેવા માટે) ચાલકનો સ્વભાવ સ્વાભાવિક રીતે હોય છે, સામેથી આવતા વાહન પહેલા ગેપમાંથી પસાર થવા હુંસાતુંસી ચાલી રહી છે તો ગેપનો લાભ લેવા ચાલક કાવુ મારે છે, આથી યા તો સામસામા ભટકાઈ જવાની અથવા કાવુ મારવામાં પાછળ આવતા વાહન સાથે અથડાઈ જવાની સંભાવના ઉભી થાય છે, આમ
અકસ્માત નિવારવાને બદલે સ્પીડ બ્રેકરો સર્જનારા બની રહ્યા છે. જો આવું થાય તો જવાબદારી કોની? શહેરમાં નખાયેલા સ્પીડ બ્રેકરોની સંખ્યા અને તેની પાછળ થયેલ ખર્ચનો આંકડો તો અત્રે ઉપલબ્ધ નથી, પરંતુ એ ખર્ચ છ મહિનામાં એળે ગયો જોઈ શકાય છે. તૂટતા સ્પીડ બ્રેકરો રીપેર કરવા શરુ શરૂમાં તો તંત્ર તરફથી પ્રયાસો થયેલા, પરંતુ
કેટલા સ્પીડ બ્રેકરો અને કેટલી વાર રીપેર થઇ શકે? ઘણી જગાએ નખાયેલા સ્પીડ બ્રેકરો જરૂરી પણ છે, પરંતુ કેન્દ્ર સરકારની ગાઈડ લાઇનનું ઉલ્લંઘન કરી વધુ સંખ્યામાં નખાયેલા સ્પીડ બ્રેકરો એક સમસ્યા તો હતી જ, આ એક નવી સમસ્યા ઉભી થઇ છે. સમસ્યા નિવારણની તંત્રની મૂંઝવણ સમજી શકાય છે, પણ અકસ્માતે કોઈના ઢીંચણ છોલાય કે માથા ફૂટે તે પહેલા ઉકેલ જરૂરી છે.