આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય: શિક્ષણાધિકારી મૌન
વાંકાનેર : પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે આવેલી યુનિક નામની ખાનગી શાળા છેલ્લા અઢાર મહિનાથી કોઈપણ જાતની કાયદેસરની પ્રક્રિયા કર્યા વગર જ બંધ કરી દેવામાં આવતા આ શાળામાં આરટીઇ હેઠળ અભ્યાસ કરતા કડીવાર મહમદસૈફ ઇમરાનભાઈ, શેરસીયા અજીમ અલીઅકબર, સોહરવદી અયાન મહેબુબભાઇ અને શેરસીયા મંજર વલીમામદભાઈના વાલીઓ દ્વારા અવાર-નવાર આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીથી લઈ તાલુકા કક્ષાએ રજુઆત કરવામાં આવી હોવા છતાં બાળકોના ભવિષ્યની ચિંતા કર્યા વગર કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા આ બાળકોનું ભવિષ્ય હાલમાં અંધકારમય બન્યું છે.
બીજી તરફ હાલમાં શાળા બંધ હોવા છતાં શાળા સંચાલકોએ શાળા બંધ કરવા માટે કોઈ કાયદાકીય પ્રક્રિયા કરી ન હોવાથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા વાલીઓની અરજી ગ્રાહ્ય રાખી શકાય તેમ ન હોવાનો બિંબાઢાળ જવાબ આપી જવાબદારી ખંખેરી નાખતા વાલીઓ ચિંતામાં ગરક થયા છે. વાંચે ગુજરાત, ભણે ગુજરાત અને ગુણોત્સવના તાયફા કરનાર શિક્ષણ વિભાગ આ બાળકો માટે અન્ય શાળામાં કોઈ જ વ્યવસ્થા ન કરતા બાળકો ઘરે બેસવા મજબુર થયા છે.