૧ kwh પર રૂા. ૧૦,૦૦૦/- ને ધોરણે ટુ-વ્હીલર માટે મહત્તમ રૂા. ૨૦,૦૦૦/-, થ્રી વ્હીલર માટે મહત્તમ રૂા. ૫૦,૦૦૦/-અને ફોર વ્હીલર માટે મહત્તમ રૂા. ૧,૫૦,૦૦૦/-ની સબસીડીની રકમ અપાશે
વાંકાનેર સહિત કુલ-૭ નવિન બસ સ્ટેશનનું મુસાફર જનતાની સુવિધા માટે લોકાર્પણ કરવાનુ આયોજન છે
વાહન વ્યહાર મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ખાતે વાહનવ્યવહાર વિભાગની વર્ષ ૨૦૨૩-૨૪ માટેના ૩૦૫૫.૧૯ કરોડની જોગવાઈની માંગણીઓ રજૂ કરતા કહ્યુ કે, રાજ્યના છેવાડાના ગામ સુધી પરિવહન સુવિધા પહોંચાડવા વાહનવ્યવહાર વિભાગ સંકલ્પબદ્ધ છે. વાહનવ્યવહાર વિભાગના ગત વર્ષના ૧૨૮૦.૭૫ કરોડની સાપેક્ષે આગામી વર્ષનું બજેટનું કદ અઢી ગણુ વધાર્યું છે. એટલે કે ગયા વર્ષ કરતા આગામી વર્ષે ૧૩૮.૫૪ ટકાનો વધારો કરીને યાતાયાતની સુવિધાઓમાં નોધપાત્ર વધારો કરવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યની આર્થિક વિકાસની સાથે સાથે વાહનોની સંખ્યા તથા વાહન ચાલકોની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે, વર્ષ ૧૯૯૬-૯૭ માં કુલ નોંધાયેલ વાહનોની સંખ્યા ૩૭.૭૬ લાખ હતી, જે આજે આશરે ૩ કરોડ જેટલી થઈ ગઈ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજીટલ ઈંડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે આર.ટી.ઓ સબંધિત ૮૦ ટકા સેવાઓને સારથી ૪.૦ અને વાહન ૪.૦ જેવી એપ્લીકેશન દ્વારા ઓનલાઈન ઉપલબ્ધ કરાવાઈ છે.

મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વેગ આપવા તથા નાણા અને સમયનો બચાવ કરવા ચેકપોસ્ટ નાબુદ કરી ઓડીસી મોડ્યુલ અને ટેક્ષ મોડ્યુલની સુવિધા અમલમાં મુકવામાં આવી છે. તેમજ ચલણ ઇસ્યુ કરવા અર્થે ઓન ધ સ્પોટ પેમેન્ટની સુવિધાથી સજજ હેન્ડ હેલ્ડ ડીવાઇસ/POS નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઓડીસી મોડ્યુલનો મુખ્ય હેતુ ઓવર ડાયમેન્શન કાર્ગોના એક્ઝેમ્પશન ફી ઓનલાઈન ભરપાઈ તથા ટેક્ષ મોડ્યુલનો હેતુ પરપ્રાંતીય વાહનોને ઓનલાઈન ટેક્ષ ભરપાઈની સુવિધા આપવાનો છે. વર્ષ-૨૦૨૨ દરમ્યાન ઓડીસી મોડ્યુલમાં કુલ ૩ લાખ ૬૦ હજાર કેસ નોંધાયેલ છે, આ થકી ૧૩૪ કરોડની રીકવરી અને વર્ષ-૨૦૨૨ દરમ્યાન ટેક્ષ મોડ્યુલમાં કુલ ૫ લાખ ૧૨ હજાર કેસ નોધાયેલ છે આ થકી ૬૪ કરોડની રીકવરી થઈ છે. વર્ષ-૨૦૨૨ દરમ્યાન ઓડીસી મોડ્યુલમાં ચલણ ન લીધેલ હોય તેવા ૩૭,૮૫૩ કેસ રાજ્યના ચેક પોઈન્ટ ખાતે નોંધાયેલ છે.

તેમણે કહ્યું કે, પર્યાવરણ માટે ચિંતિત ગુજરાત સરકારે હંમેશા વાયુ પ્રદુષણને ઘટાડવા તથા ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી અમલી બનાવવાનો દુરંદેશી નિર્ણય કર્યો છે. તા.૦૧.૦૭.૨૦૨૧થી ખરીદાયેલા વિવિધ ઇલેકટ્રીક વાહનો પર સબસીડી આપવાનું સરકારે નક્કી કર્યું છે. આ પોલિસી ચાર વર્ષના સમયગાળા માટે કાર્યરત રહેશે. જેમાં કુલ બે લાખ જેટલા ઇલેકટ્રીક વાહનો પર સબસીડી આપવામાં આવશે. કેન્દ્ર સરકારની ફેમ-૨માં તમામ ઇલેકટ્રીક વાહનોને બેટરી ક્ષમતા આધારીત નિયત થયેલ સબસીડી ચૂકવાશે. સબસીડીનું ધોરણ વાહનની બેટરી કેપેસીટી(kwh) પર નિયત કરેલ છે. ૧ kwh પર રૂા. ૧૦,૦૦૦/- ને ધોરણે ટુ-વ્હીલર માટે મહત્તમ રૂા. ૨૦,૦૦૦/-, થ્રી વ્હીલર માટે મહત્તમ રૂા. ૫૦,૦૦૦/-અને ફોર વ્હીલર માટે મહત્તમ રૂા. ૧,૫૦,૦૦૦/-ની સબસીડીની રકમ અપાશે.

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સબસીડી મેળવવા માટે ખુબ સરળ પધ્ધતિ અમલમાં મુકી છે. વાહન માલિકે વાહન નોંધણી કર્યા બાદ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વિના મુલ્યે અરજી કરવાની રહે છે અને ઇલેક્ટ્રીક વ્હીકલ ખરીદકર્તા વાહનધારકને સબસીડીની રકમ DBT દ્રારા અરજદારના ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૫૧,૨૨૬ લોકોને રૂ.૧૨૫.૨૦ કરોડ રકમની સબસીડી સીધી તેમના ખાતામાં આપી છે. રાજયમાં ૬૯,૦૮૨ ઇ-વ્હીકલ્સ સબસીડીની કુલ મળેલ અરજીઓ મળી હતી તે પૈકી ૫૩,૯૯૮ અરજીઓ મંજુર કરાઈ છે. હોલ્ડ કરેલ અરજીઓ માટે જે તે અરજદારને ભારત સરકારના ફેમ-૨ યોજનામાં લાભ મળેલ છે કે કેમ? તેની વિગતો ભારત સરકારમાં પત્ર લખી માંગેલ છે. જે મળ્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.

વાહનનું ફીટનેસ રીન્યુઅલ કરવા ઇચ્છૂક અરજદારે નિયત ફી ભરી AFMS મોડયુલ પર ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશનની પસંદગી કરી સ્લોટ બુક કરાવવાનો રહે છે. વાહનના ફીટનેશ ટેસ્ટ પૂરા થયેથી અરજદાર તેઓનું ફીટનેશ સર્ટીફીકેટ પણ AFMS મોડયુલ પરથી ડાઉનલોડ કરી શકે છે. વાહનોના ફીટનેશ ટેસ્ટીંગ મેન્યુઅલમાંથી ઓટોમેટીક કરવા કુલ ૨૦૪ ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશનને શરતી પ્રાથમિક મંજુરી આપવામાં આવી છે. અંજાર(કચ્છ) અને બાવળા(અમદાવાદ) ખાતે અત્રેની કચેરી હેઠળ ઓટોમેટેડ ફીટનેશ સેન્ટર શરૂ કરવાની કામગીરી પ્રગતિમાં છે. મોટર વાહન ખાતા દ્વારા ચાલુ વર્ષે કુલ ૩૫ અત્યાધુનિક ઇન્ટરસેપ્ટર વાહનો ખરીદવામાં આવ્યા છે. જે સ્માર્ટ એન્ફોર્સમેન્ટના વિચાર દ્વારા સ્પીડ ગન, કેમેરા અને પબ્લીક એડ્રેસ સીસ્ટમથી સજ્જ છે. ઈન્ટરસેપ્ટર વાહનો દ્વારા ૧૨, માર્ચ-૨૦૨૩ અંતિત કૂલ ૨૬૬૪ ચલણ ઈસ્યુ કરવામાં આવેલ છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કુલ ૫૮ ચેકપોઇન્ટ પર આ ઇન્ટરસેપ્ટરથી સઘન કામગીરી થશે. કુલ ૩૫૦ નંગ બોડીવોર્ન કેમેરા એન્ફોર્સમેન્ટ તેમજ ઓફીસની કામગીરીના મોનીટરીંગ અર્થે તાબાની કચેરીમાં આપવામાં આવેલ છે.

મંત્રી સંઘવીએ કહ્યું કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમમાં ગયા વર્ષના ૯૬૮.૭૪ કરોડની સાપેક્ષે આગામી વર્ષમાં ૨૬૨૧.૩૮ કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. જે ગયા વર્ષના બજેટ કરતા આશરે ત્રણ ગણી છે. આગામી સમયમાં નવી ૨૦૦૦ બસો ખરીદવાનું લક્ષ્યાંક નિયત કરાયો છે. જે તબક્કાવાર સેવાઓમાં મૂકાશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ શહેરો અને અંતરીયાળ ગામોને પરીવહન સેવાથી સાંકળી, કોઇ પણ ગામ પરીવહન સેવાથી વંચિત ન રહે તે પ્રકારે અસરકારક કામગીરી સહ મુસાફરોને સમયસર અને આરામ દાયક મુસાફરીની સાથે સલામતીના ધ્યેય સાથે કામ કરે છે. રાજ્ય સરકાર દ્વારા પ્રજાની સેવા અર્થે વિવિધ કક્ષાની કુલ ૮૦૦૯ બસો જેમાં ૨૯૭ સ્લીપર કોચ, ૧૧૧ લકઝરી, ૧૧૨૩ સેમી લકઝરી, ૫૨૯૨ સુપર ડિલક્ષ અને ૧૧૮૬ મીડી બસનો કાફલો ધરાવે છે. મુખ્યમંત્રીના હસ્તે ૧૫૧ લકઝરી અને ૪૦ સ્લીપર કોચ વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તથા જામનગરમાં ૧૫૧ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના ૫૯૮ વાહનો એપ્રિલ-૨૩ સુધીમાં પ્રજાની સેવામાં ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત ૪૦૦ સુપર એક્સ્પ્રેસ, ૨૦૦ સેમી લકઝરી અને ૨૦૦ નોન એસી સ્લીપર કોચ બસો પણ આગામી સમયમાં ડિસેમ્બર -૨૩ સુધીમાં પ્રજાને સેવામાં મુકવાનું આયોજન છે. રાજ્યમાં પ્રદુષણમાં ઘટાડો કરવા સારુ અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન મળે તેના ભાગ રૂપે “ZERO AIR POLLUTION” ધરાવતી પ૦ ઈલેકટ્રીક બસો ચાલુ કરવામાં આવેલ છે તથા આગામી સમયમાં બીજી પ૦ ઈલેકટ્રીક બસો ચાલુ કરવાનું આયોજન છે.

તેમણે કહ્યુ કે,રાજય સરકાર દ્વારા રૂ|.૪૧.૨૭ કરોડના ખર્ચે ગોંડલ, સરા, ટંકારા, સાયલા, વસઇ, સેલંબા, કેવડીયા કોલોની, વિરપુર, તુલસીશ્યામ, કોટડા સાંગાણી, ક્લ્યાણપુર, ભાવનગર, ચોટીલા, વલસાડ, સરધાર અને ભાણવડ ખાતે બસ સ્ટેશન, રાજકોટ તથા રાપર મુકામે રૂ.૪.૫૦ કરોડના ખર્ચે નવિન ડેપો વર્કશોપ તથા અમદાવાદ, ભુજ અને રાજકોટ મુકામે રૂ.૨૨.૦૩ કરોડના ખર્ચે નવિન સ્ટાફ કોલોની તેમજ રૂ.૪.૪૫ કરોડના ખર્ચે વલસાડ મુકામે નવિન ડીવીઝન ઓફીસનું એમ કુલ-૨૨ એકમોનું લોકાર્પણ કરવામાં આવી છે. પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે અંદાજીત રૂ|.૩૨.૨૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ અમરેલી અને ભરૂચ મળી કુલ-૨(બે) બસ સ્ટેશનોનું ટુંક સમયમાં મુસાફર જનતાની સુવિધા માટે લોકાર્પણ કરવાનુ આયોજન છે. સરકારના ૧૦૦-દિવસના એકશન પ્લાન અંતર્ગત અંદાજીત રૂ|.૩૦.૯૦ કરોડના ખર્ચે ધાનપુર, સુરેન્દ્રનગર, રાજકોટ(સેટેલાઈટ), મોરબી, મહુવા, ડેસર તથા વાંકાનેર મળી કુલ-૭ નવિન બસ સ્ટેશનનું મુસાફર જનતાની સુવિધા માટે લોકાર્પણ કરવાનુ આયોજન છે. આ ઉપરાંત અંદાજીત રૂ|.૨૪.૪૨ કરોડના ખર્ચે ઉધના, વેરાવળ, કોડીનાર અને સંતરામપુર ખાતે નવિન ડેપો-વર્કશોપ તેમજ નારાયણ સરોવર ખાતે નવિન બસ સ્ટેશન મળી કુલ-૫ એકમોનું ખાતમુહૂર્ત કરવાનુ આયોજન છે. ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા “ગુડ સમરીટન એવોર્ડ” થી સન્માનિત કરવા માટેની કેન્દ્રીય પુરસ્કૃત યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને કોઈ નાગરિક પરોપકારની ભાવનાથી હોસ્પિટલ/ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડવામાં મદદ કરે તેવા ગુડ સમરિટનને પાંચ હજાર રૂપિયાનો એવોર્ડ અને પ્રશંસાનું પ્રમાણપત્ર મળ્યું છે.