સગીરા વિદ્યાર્થિની રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ
જૂનાગઢ હોસ્ટેલમાં રહેતી સગીરા સોશિયલ મીડિયા મારફત ઢુવાના યુવાન સાથે સંપર્કમાં આવી હતી
રાજકોટ: જુનાગઢ હોસ્ટેલમાં રહેતી સગીરાનો સોશિયલ મીડિયા મારફત વાંકાનેરના ઢુવા ગામના યુવાન સાથે સંપર્ક થયો હતો. આ ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે ફેક આઇડી બનાવતા ધો. 12ની 17 વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવેલ. રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ આ અંગે ગુનો ન નોંધતી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે.
મળેલ માહિતી મુજબ રાજકોટના યુનિવર્સિટી રોડ પર, પુષ્કરધામ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કાજલ (નામ બદલાવેલ છે) ગઈકાલે રાત્રે દોઢ વાગ્યા આસપાસ પોતાના ઘરે હતી ત્યારે ફીનાઇલ પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. તેમના માતાએ જણાવેલી વિગત મુજબ, કાજલના પિતા હયાત નથી. કાજલ ધોરણ 12 માં જૂનાગઢની હોસ્ટેલમાં અભ્યાસ કરે છે અને કાજલની સગાઈ નક્કી થઈ ગઈ છે. જે યુવક સાથે સગાઈ થઈ છે તે યુવકને ઇન્સ્ટાગ્રામ સજેશનમાં કાજલના નામનું એકાઉન્ટ જોવા મળે છે.
જેથી તે આ એકાઉન્ટ ઉપર મેસેજ કરે છે. જેમાં સામા પક્ષે રીપ્લાય મળે છે કે તે એકાઉન્ટ ઢુવા ગામનો કોઈ યુવાન હેન્ડલ કરે છે. જેથી કાજલના મંગેતરે કાજલના મમ્મીને વાત કરી હતી. જેથી કાજલના માતાએ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ મથકે કાજલનું ફેક આઈડી બનાવવામાં આવ્યું હોવાની જાણ કરી હતી. સાઇબર ક્રાઇમમાંથી 1930 ઉપર ફરિયાદ નોંધાવાનું જણાવતા તે મુજબ 1930 ઉપર માતાએ ફરિયાદ નોંધાવી હતી. જે પછી રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસમાંથી ફોન આવેલો અને તમારી દીકરીને લઈને સાઇબર ક્રાઇમ પોલીસ મથકે આવો તેવું જણાવવામાં આવ્યું હતું.
આ પછી કાજલને લઈ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ગયા હતા જ્યાં કાજલે તેની માતાને જણાવ્યું હતું કે ઢુવાના યુવાન સાથે ઇન્સ્ટાગ્રામ મારફત સંપર્ક થયો હતો અને ઢુવાના યુવાને બિભસ્ત માંગણી કરતા અને લગ્નની લાલચ આપી હતી. જોકે કાજલે જણાવેલ કે એમ થશે નહીં. જેથી ફેક આઇડી બનાવ્યાનું અનુમાન છે. કાજલના માતાએ જણાવ્યું કે અમે પોલીસમાં ગુનો દાખલ કરવા વિનંતી કરી હતી પરંતુ પોલીસે આરોપીનો પક્ષ લઈ હજુ સુધી ગુનો દાખલ કર્યો નથી. આ તમામ કાર્યવાહી પ્રક્રિયા દરમિયાન ટેન્શનમાં આવી જતા કાજલે ફિનાઈલ પી લીધું હતું. બનાવમાં કેટલી હકીકત છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
